નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં AAP સાંસદ સંજય સિંહને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. EDએ કોર્ટમાં કહ્યું કે લાંચ માંગવાના પુરાવા છે અને લાંચ લેવાના નથી. દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજય સિંહની ધરપકડ કર્યા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે સાંસદને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. સંજયસિંહની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ બીજી તરફ તેમના નજીકના સંબંધીઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. EDએ વિવેક ત્યાગી અને સર્વેશ મિશ્રાને સમન્સ જારી કરીને પૂછપરછ કરી હતી. રાજ્યસભા સાંસદ સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDએ આ કેસમાં 10 દિવસની કસ્ટડી માંગી હતી. જોકે, કોર્ટે સુનાવણી દરમિયાન ED સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ત્યાર બાદ માત્ર પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. આજે સંજયસિંહના રિમાન્ડ પૂર્ણ થતા તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈડીએ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ ઈડીએ તેમના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સંજયસિંહના વકીલે રિમાન્ડનો વિરોધ કર્યો હતો. અદાલતે સુનાવણીના અંતે 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં છે.