Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાઈ ‘સંજીવની ટેલિ મેડિસિન’ સેવા

PIB

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં અમદાવાદ સૌથી મોખરે છે. એટલે કે, અમદાવાદમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને હળવા લક્ષણો ધરાવતાં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આવા દર્દીઓની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા” ટીમ સમયાંતરે મુલાકાત લઈ દર્દીઓનું તબિયતનું ચેકીંગ કરે છે, જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ દવાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ જો પોતાના ઘરે જ સારવાર લેવા માગતા હોય તો મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તબીબી સેવા પુરી પાડવામાં આવી રહી છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા “સંજીવની ટેલી મેડીસીન” સેવા શરૂ કરવામાં આવેલી છે. જેનો ટેલીફોન નંબર 14499 છે. જેના ઉપર સંપર્ક કરવાથી જે તે દર્દીને કોરોનની સારવાર બાબતે હેલ્પ સેન્ટરમાં કાર્યરત ડોકટરોની ટીમ દ્વારા જરૂરી પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવશે અને તબીબી સલાહ અને માર્ગદર્શન ટેલીફોન પર આપવામાં આવશે. આ સેવા કોરોના પોઝીટીવ આવેલા અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે છે. જે આજથી જ કાર્યરત થશે અને તે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આથી જરૂર જણાયે અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કોરોના પોઝીટીવ છે અને તબીબી સલાહ- માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોક્ટરનું ટેલી કન્સલટેશન મેળવી શકશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ગઈકાલે 24 કલાકમાં શહેરમાં નવા 2281 અને જિલ્લામાં 30 મળીને અમદાવાદમાં કુલ 2311 કેસ નોંધાયા હતા. જેની સામે 584 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નહોતું. 234 દિવસ પછી 2300થી વધુ કેસ નોંધાયા હતા. આ પહેલા 17 મેએ 2377 કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. (file photo)