(ડો. મહેશ ચૌહાણ)
કચ્છની તપોભૂમિમાં નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામમાં સંતશ્રી મેકરણદાદાનો જન્મ ભટ્ટી રાજપૂત કુળમાં થયો હતો. પિતાશ્રીનું નામ હરધોળજી રાજપૂત અને માતૃશ્રીનું નામ પબાંબા હતું. તેમનું બાળપણનું નામ મેકાજી હતું અને તેમના ભાઈનું નામ પતાજી. મેકાજી જ્યારે દસ વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વાછરડાં ચરાવવાનું કાર્ય સોંપેલ.
હરધોળજી જ્યારે નવું મકાન બનાવે છે ત્યારે પાયામાંથી તુંબડી, ટોપી,ચાખડીઓ,પાવડી,ખપ્પર, અંચળો અને ચૂંદડી સાથેનું ભગવા રંગનું પોટલું મળે છે. વિસ્મય અને શ્રદ્ધા સાથે તેઓ પોટલું ઘરમાં ખીંટીએ ટીંગાળી અને ભાવ કરે છે કે કોઈ સાધુ-મહારાજ આવશે તેમને આપી દઈશું. મેકાજી વાછરડાં ચરાવી ઘરે આવે છે ત્યારે તેમની દ્રષ્ટિ પોટલા પર પડે છે અને તેના સ્પર્શ માત્રથી તેમનામાં ભક્તિ જાગૃત થાય છે. નિંદ્રા નથી આવતી વૈરાગ જાગે છે અને કિશોર મેકાજી મોડી રાત્રે લાકડી અને પોટલું સાથે લઈ ચાલી નીકળી પડે છે.
કચ્છના અનેક સાધુ મહારાજ પાસે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ હેતુ જાય છે. પણ ક્યાંય તેમને પૂરતો સંતોષ થતો નથી. છેવટે તેમણે મડ ગામમાં આવેલ જાડેજા રાજપૂતોના કુળદેવી આશાપુરી માતાજીના મહંત ગાંગારાજાનું શરણ લીધું. ગંગારાજાની સર્વ સદગુણ સંપન્નતા, આધ્યાત્મિક જ્ઞાનની અજોડતા અને ચારિત્ર શીલતા સામે મેકાજી નતમસ્તક થઈ જાય છે અને દીક્ષા આપવા વિનંતી કરે છે. મહંતજી મેકાજીના માતૃશ્રીને આ વિશે જાણ કરે છે. પબાંબા મડ આવે છે અને માતા-પુત્ર વચ્ચે સંવાદ થાય છે. માતા ગૃહસ્થ જીવન માટે મેકાજીને સમજાવે છે.
આજ્ઞાકારી પુત્ર મેકાજી બાને કહે છે શ્રી આશાપુરા માતાજી સમક્ષ આજ્ઞા માંગો, માતાની આજ્ઞા હું માથે ચડાવીશ. આશ્ચાર્ય પબાંબાને સમાધિ લાગે છે, આશાપુરા માતાજીના દર્શન થાય છે અને માતાજી મેકાજીને આશીર્વાદ આપતાં દેખાય છે. પબાંબા રાજીખુશીથી મેકાજીને જગતજનનીના શ્રી ચરણે અર્પિત કરે છે. મેકાજી મહંત શ્રી ગાંગારાજાની દરેક વાતનું પાલન કરી હૃદયથી તેમની સેવા કરે છે. ટૂંક સમયમાં જ મા આશાપુરા અને ગુરુકૃપાથી આધ્યાત્મિક સિદ્ધિ તેમને પ્રાપ્ત થાય છે.
એકવાર મડ જાગીરની જાતવાન બે ઘોડી ચોરાય છે. અનેક શોધખોળ બાદ પણ તે મળતી નથી. ગુરુ ગાંગારાજાના મેકાજી પરના સ્નેહથી અદેખાઈ કરતા અન્ય ચેલાઓ સિદ્ધિ પ્રાપ્ત મેકાજીને ઘોડી શોધવાનું કાર્ય સોંપવા કહેતાં ગુરુજી મેકાજીને આ કાર્ય સોંપે છે. તપોબળથી ઘોડીનો પત્તો જાણી કંથકોટ ગામમાં જઈ ત્યાંના કંઠડનાથ મંદિરમાં અનશન વ્રત આદરે છે. ગામના લોકોને ખબર પડે છે. મેકાજી સઘળી વિગતોથી લોકોને વાકેફ કરે છે. માતાજીના પરમ ભક્ત ગ્રામજનો ઘોડીને ચોર પાસેથી લાવીને મડ જાગીરમાં પહોંચતી કરે છે.
કુદરતના આદેશ અનુસાર મેકાજી મડ પરત ન જતાં આધ્યાત્મિક પ્રગતિ હેતુ તીર્થાટન કરતાં ગિરનારની પૂર્વે આવેલ સરભંગ ઋષિના આશ્રમ(દત્તાત્રેયના ધૂણે) પહોંચે છે. બાર વર્ષ દત્તાત્રેયની ઉપાસના કરે છે અને ત્યાં મહાન યોગી મછંદરનાથજીની સેવા કરીને જરૂરી વિદ્યા પ્રાપ્ત કરે છે. મછંદરનાથજી મુમુક્ષોઓના કલ્યાણ હેતુ સંત મેકરણજીને દેશાટન કરવા આદેશ આપી, કામધેનુના અવતાર સમી કાવડ તેમને આપે છે. મેકરણદાદા પોતાની યુવાની, મિલકત અને આખું જીવન ભૂખ્યાં, દુખિયાં જીવો માટે સમર્પિત કરે છે. જીનામ એટલે કે અચળ અમર અવિનાશી ઈશ્વર અને તે નામજપ દ્વારા સંત મેકરણ જૂનાગઢની તળેટી તેમજ આજુબાજુના ગામમાં ફરીને કાવડમાં ભિક્ષા મેળવી સાધુ-સંતો અને ગરીબ-ગુરબાંને પોષે છે.
બિલખા ગામમાં પોતાનો પહેલો ધૂણો(અખાડો) સ્થાપિત કરી, સદૈવ સાદુ ભોજન કરી, ખપ પૂરતા કપડાં ધારણ કરી, ભૂમિ પર શયન કરી લોકોને જ્ઞાનરૂપી અમૃતવાણીથી તૃપ્ત કરે છે. બીલખાથી તે હરિદ્વાર યાત્રા કરી સિંધપ્રદેશમાં વર્ષોથી બંધ હિંગળાજ માતાની યાત્રાને પુન: પ્રારંભ કરી તેમના દર્શનાર્થે નીકળે છે.
સિંધ પ્રદેશના એક ગામમાં મસ્જિદ પાસેથી ‘જી નામ’ ‘જી નામ’ પ્રભુ સ્મરણ કરતાં નીકળે છે એ વખતે મોટા અવાજે બાંગ પોકારતો મૌલવી તેમને ઘોંઘાટ ન કરવા કહે છે. ત્યારે સંત મેકરણ પ્રત્યુત્તર આપે છે કે સાચી પ્રાર્થના સાંભળવી હોય તો મારી સાથે સિંધુ તટે આવો. કાજી, મૌલવી અને મુસ્લિમ સમાજ સિંધુ તટે એકત્રિત થાય છે. સંત મેકરણ નદીમાં સ્નાન કર્યા બાદ નદી ઉપર ચાદર પાથરી તેના ઉપર ઉભા રહી પરમ કૃપાળુ પ્રભુનો મહિમા વર્ણવતું ભજન ગાય છે. જોતજોતામાં ચરઅચર સૌ કોઈ સ્થિર થઈ જાય છે. મૌલવીને પોતાની ભૂલ સમજાય છે અને સંપૂર્ણ મુસ્લિમ સમાજ મહાત્મા મેકરણને ઈશ્વરના સાચા ભક્ત તરીકે સહર્ષ વંદન કરે છે. ઘણા મુસ્લિમ તેમના જ્ઞાનોપદેશથી તેમના શિષ્ય બને છે.
સિંધમાં બાર વર્ષ વિતાવ્યા બાદ હિંગળાજ માતાના દર્શન કરી યાત્રા પૂર્ણ કરી સંત મેકરણ કચ્છમાં જંગી ગામમાં બીજો ધુણો સ્થાપી પતિતોદ્ધારનું કાર્ય કરે છે. જસી રબારણ અને હિમા ચારણ જેવી બહેનો પોતાનો માતા જણ્યો ભાઈ ન હોવાથી સંત મેકરણને પોતાના ધર્મના ભાઈ બનાવે છે. જંગીમાં બાર વર્ષ પૂર્ણ કર્યા બાદ તેઓ લોડાઈ ગામે જાય છે.
સંત મેકરણ દાદા લોડાઈ ગામમાં ત્રીજો ધુણો સ્થાપે છે. ગામમાં એક નિસંતાન કુંભાર પરિવાર હતું. ભિક્ષા માંગવા આવનાર સંત મેકરણને આ પરિવાર પોતાનું દુઃખ જણાવે છે. ‘પ્રભુ આપનું કલ્યાણ કરે’ એવા સંત મેકરણના આશીર્વાદના બળે પ્રભુકૃપાથી બાર માસની અંદર આ પરિવારમાં બે પુત્રોનો જન્મ થાય છે. પરિવાર દાદાને કંઈક આપવા ઈચ્છે છે ત્યારે દાદા કુંભાર પાસે લોકસેવાર્થે એક ગધેડો માંગે છે. સમાજ સમાજમાં તૃચ્છ ગણાતું પ્રાણી દાદાના પરિવારનું સદસ્ય બને છે. દાદા તેને લાલારામ કહી સંબોધે છે.
એક ગલુડિયું કે જે મૃત્યુની નજીક હતું તેની દાદા હેતથી સેવા કરે છે. ગલુડિયું સ્વસ્થ્ય થઈ જાય છે. દાદા તેને મોતીરામ કહી પોકારતા. લાલારામ અને મોતીરામ દાદાના હૃદયના ભાવને વાંચતા-સમજતા અને તે અનુરૂપ કાર્ય કરતા હતા.
કચ્છ અને સિંધની મધ્યમાં આવેલા ખાવડાથી લોડાઈના રસ્તે વચ્ચે ચૌદ ગાઉનો રણનો રસ્તો આવે છે. ઉનાળાની ઋતુમાં ધોમ ધખતાં આ રણમાં યાત્રા કરવી એટલે મૃત્યુને આલિંગન. સંત મેકરણ મોતીરામ અને લાલારામના સહયોગથી યાત્રાળુના રક્ષણ હેતુ સેવા કાર્ય પ્રારંભ કરે છ. સંત મેકરણની સંજ્ઞાથી મોતીરામ રણમાં ફરી મુસાફરોને શોધી દેતા અને લાલારામને મુસાફર પાસે લઈ જતા. લાલારામની પીઠ ઉપર છાલકામાં રાખેલ રોટલા અને પાણીથી યાત્રાળુનો જીવ બચી જતો. આનંદ સાથે યાત્રી આ બંને પ્રાણીઓને આશીર્વાદ આપતાં.
લોડાઈ ધુણામાં સિંધના મીરપુર ભરોઠા ગામના અનુસૂચિત જાતિ બંધુ અસાધ્ય પીડામાંથી મુક્તિ મેળવવા દાદાના શરણે આવે છે. તેના શરીરમાં અનેક જગ્યાએ ચાંદા પડેલા છે અને તેમાંથી પુષ્કળ રસી-પરુ વહી રહ્યા છે. દાદા ઔષધ નાખેલા ઉષ્ણ પાણીથી તે ચાંદાઓને સાફ કરી તેના પર ખાખરાનો લેપ લગાડે છે. પટેલ પરિવારની સંત મેકરણ દાદાની શિષ્યા લીરબાઈ તેને આત્મીયતાથી દૂધ પીવડાવે છે. થોડા જ સમયમાં સંત મેકરણ દાદા અને આશ્રમ જનોની સેવા-ચાકરી અને સ્નેહથી તે સ્વસ્થ થઈ જાય છે. આ ભાઈ પણ આશ્રમવાસી બની જાય છે. સંત મેકરણના કાકા સામત રાજા આ ભાઈને પોતાના ગામ બંછીયા લઈ જાય છે. થોડા સમયબાદ આ ભાઈ કાવડી સાધુ બને છે. સિંધના એ અનુસૂચિત જાતિ વર્ગના કાપડીના વંશજ કચ્છના મનફરા ગામમાં વસ્યા અને ત્યાં તેમના વંશનો વિસ્તાર થયો.
સંત મેકરણ દાદા વર્ણ, વર્ગભેદ અને ઉંચ-નીચમાં માનતા ન હતા. દાદા કહે છે,
“પિપ્પરમેં પણ પાણ,
નાંય બાવરમેં બ્યો,
નીમમેં ઊ નારાણ
પોય કંઢેમેં ક્યો?”
પીપળના ઝાડમાં ઈશ્વર વસે છે. તો બાવળમાં પણ એ તે જ સ્વરૂપે છે, લીમડામાં પણ એ જ નારાયણ છે. તો પછી કાંટારૂપી ખીજડાના ઝાડમાં કયા ભગવાન છે? મતલબ ઈશ્વર સર્વવ્યાપી છે અને તે એક હોવાથી તે સઘળે વસે છે. એના વગર કોઈ પણ ઠેકાણું ખાલી નથી.
સંત મેકરણ દાદા અનુભૂતિ સાથે કહે છે…
‘મું ભાયો તડ હિકડો, પણ તડ લખ હજાર,
જુકો જેઆં લંગેઆ, સે તેરી થેઆ પાર.’
અર્થાત્…હું પોતે ઈશ્વર પ્રાપ્તિનો એક જ માર્ગ હશે તેમ માનતો હતો. પણ બારીક વિચાર કરતા જણાયું કે ઈશ્વર પ્રાપ્તિના અનેક માર્ગ છે.
સંત મેકરણ દાદા કહે છે,
ભાઈઓ! કોઈને કોરીઓ(દ્રવ્ય) વ્હાલું છે તો કોઈને વેઢ-વીંટી જેવા દાગીના વ્હાલા છે. પણ મને તો સૌથી વ્હાલા એ લોકો છે કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે.
સંત મેકરણ પોતાના આધ્યાત્મિક જ્ઞાન અને આચરણથી મોમાયા પટેલ, ડુંગરશી શેઠ, મહારાવ દેશળજી જેવા અનેકો લોકોને સાચો માર્ગે બતાવી ભક્તિમય બનાવી પરોપકારના કાર્યમાં પ્રવૃત્ત કર્યા હતા. આ ઉપરાંત સંત મેકરણના ધાર્મિક પ્રભાવથી તેમના નાનાભાઈ પતાજી-પીર પતંગ શાહ કે જે ઓલિયા કલંદરના શિષ્ય બન્યા હતા તે પુન: હિન્દુ બને છે.
સંત મેકરણ સ્વયંને નાથ સંપ્રદાયના મછંદરનાથજીના પુત્ર માને છે તેમજ સંત કબીરદાસજીનું સન્માન સાથે સ્મરણ કરે છે,
‘મેકા બેટા મછંદર કા, રામાનંદ કા કબીર,
આદ,અંત ફિરતા રહા, ફરતાં રામ ફકીર.’
સંત મેકરણના ઈષ્ટદેવી આશાપુરા, હિંગળાજ, મોમાઈ અને રવેચી માતા હતાં. ચારેય દેવીની કૃપા તેમની સાથે હતી. દેવીમાતાએ અભય ચુંદડી અને ત્રિશૂળ સંત મેકરણને આપેલ.
કચ્છી ભાષામાં પદ-ભજન રચનાર પ્રથમ કવિ સંત મેકરણ શિઘ્ર કવિ હતા અને ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હતા. તેમની રામભક્તિ તેમના કંઠમાંથી નીકળેલ અનેક સાખીઓમાં તે દ્રષ્ટિગોચર થાય છે.
પ્રથમ સાખી કે જે કંથકોટમાં ઉચ્ચારી હતી તે..
રે રે મ મે તું રામ ચો,
આત્મ એ ન ભૂલ..
મેં સંગાથી રામ કા ઓરન કા કુળ નાહી,
ખટ દરશનમાં ખોળંતા દરશન મળિયો આઈ.
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા..
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા..
જે નર રામ ન ભુજિયા સે સરજ્યા કૂતા..
સહી આખર સંભાર મુરખ, સમર સીતારામ;
રામ ‘ઠાકર’ ‘મેકા’ ચાકર, કીરત કેરૂ કામ..મન.
સંત મેકરણ દાદા સંવત ૧૭૮૬ના આસો વદ ચૌદસ શનિવારના રોજ ૬૦વર્ષની વયે દિવાળીના આગળની મંગલ પ્રભાતે ધ્રંગમાં કુલ દસ દિવ્યાત્માઓ સાથે જીવતાં સમાધિ લે છે. આ દિવ્યાત્માઓ લીરબાઈ માતાજી, ગિરનારી સંત મયાગિરી, ભક્ત વીઘા આહિર, કાંથડ સુથાર, સારસ્વત બ્રાહ્મણ પ્રેમજી ગણપત, સાધુ સુંદરદાસજી, લેરિયાના જાડા ખીંચરાજી, બૈયાના ઠાકોર મોકાજી, નાગલપુરના કડિયા કાનજી અને પબાંબા વિવિધ વર્ગમાંથી આવે છે.
સૌની આ સમર્પણ ગાથા સાંભળી અનુસૂચિત જાતિ વર્ગના હીરા ગરવા પસ્તાય છે અને દેહ છોડી દે છે. તેમના પાર્થિવ દેહને ધ્રંગમાં લાવવામાં આવે છે અને મેકરણ ડાડાની સમાધિના ચોગાનમાં તેમને પણ સમાધિ આપવામાં આવે છે. મોતીરામ અને લાલારામની પણ સમાધિ ત્યાં છે. આ ઉપરાંત તેમનાથી પ્રભાવિત અન્ય ચોત્રીસ લોકો પણ અન્ય સ્થાનો પર સમાધિ લે છે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના નાનાભાઈ લક્ષ્મણને એક જન્મ સુધી સૌરાષ્ટની ધરતી ઉપર પરિભ્રમણ કરવાની ઈચ્છા હતી. એવી માન્યતા છે કે લક્ષ્મણજી પોતે જ સંત મેકરણના રૂપે જન્મ લઈ પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે.
એકાત્મતા, સમાનતા, માનવતા અને परोपकाराय पुण्यायના તત્ત્વજ્ઞાનને પોતાના જીવનમાં સાકાર કરી જનસેવાનું પવિત્ર કાર્ય કરનાર પરમ વંદનીય સંત શ્રી મેકરણ ડાડા તેમજ લાલારામ-મોતીરામની અપૂર્વ ભક્તિ અને મૂંગી સેવાને શત શત વંદન. સૌને ‘જી નામ’.
[સંદર્ભ: ૧.સંતશ્રી મેકરણ દાદા,લેખન-સંકલન: પ્રવીણ જોષી(પામોલ), અજય પબ્લિકેશન; ૨.મેકરણ દાદા, લેખક:નટવર ગોહેલ(બાલભારતી ટ્રસ્ટ); ૩.ભારત કી સંત પરંપરા ઔર સામાજિક સમરસતા,લે.કૃષ્ણ ગોપાલજી]