મંત્રી મંડળના શપથગ્રહણ પહેલા નારાજ થયેલા નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહને મનાવવા સંતોષ યાદવે પ્રયાસો કર્યા
અમદાવાદઃ ગાંધીનગરમાં આજે સાંજે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળના સભ્યોનો સપથવિધિ સમારોહ યોજાશે. મંત્રી મંડળમાં કોને સામાવાશે અને જુના મંત્રીમાંથી કોણ કપાશે. તેની ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ મુખ્યમંત્રીનું પદ ન મળતા નારાજ બનેલા નીતિન પટેલેને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા અર્થાત નવા મંત્રીમંડળની રચના અંગે આ ત્રણ નેતાનો અભિપ્રાય લેવાઈ રહ્યો છે એવા સંકેતો ન જાય એનું કેન્દ્રીય નેતૃત્વએ ધ્યાન રાખ્યું હતું. જોકે આગામી ચૂંટણીમાં તેમનાં સલાહ-સૂચનો ધ્યાને રખાશે એવું આશ્વાસન આ નેતાઓને અપાયું છે.