અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધો-11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. ધો-10ના વિદ્યાર્થીઓને કોરોનાને પગલે માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. તેમજ તેમનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આગામી દિવસોમાં માર્કશીટ પણ આવી દેવાશે. જો કે, માસ પ્રમોશનના કારણે ધો-10ના વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારે ધો.11-12ના વર્ગને આપી મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મનપામાં ગુજરાતી માધ્યમના 11 વર્ગ,મરાઠી માધ્યમના 11 વર્ગ, હિન્દી માધ્યમના 2 વર્ગ શરૂ કરાશે. જેમાં 1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જ્યારે મનપા સંચાલિત સુમન સ્કૂલમાં ધો.11-12ના વર્ગો શરૂ થશે, મનપા સંચાલિત શાળાઓમાં સામાન્ય પ્રવાહના 22 વર્ગ તથા વિજ્ઞાન પ્રવાહના 2 વર્ગ શરૂ કરાશે. મનપા સંચાલિત શાળાઓમાં એક વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તેવું પણ મનાઈ રહ્યું છે. મનપા સંચાલિત સુરતની સુમન શાળામાં ધો.10માં ભણતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-1થી 12 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હજુ ધો-12નું બોર્ડ દ્વારા પરિણામ જાહેર નથી કરાયું. જ્યારે ધો-1થી 9ના વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.