Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં થયો જબરો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે  વિવિધ એરલાઈન્સ દ્વારા નવી ફ્લાઇટો શરૂ કરાઇ રહી છે. સરદાર પટેલ એરપોર્ટ પર એપ્રિલથી સપ્ટેમ્બરના 6 મહિનામાં 60 લાખથી વધુ પેસેન્જરની અવરજવર નોંધાઈ છે. ગત વર્ષના આ સમયગાળા કરતા પેસેન્જરની સંખ્યામાં 8 ટકાનો વધારો થયો છે. વધતા જતા પ્રવાસી ટ્રાફિકને લીધે દેશ-વિદેશની ફ્લાઈટ્સમાં વધારો થયો છે. તેથી અમદાવાદનું સરદાર પટેલ એરપોર્ટ દેશનું 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. દર 5.30 મિનિટમાં એક ફ્લાઈટ ઓપરેટ થાય છે. ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. સરદાર પટેલ એરપોર્ટ પર લગભગ દૈનિક 270 ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 60 લાખ કરતા વધુ મુસાફરોએ અવરજવર કરી છે. જેમાંથી 50 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક જ્યારે 10 લાખ મુસાફરોએ ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો છે. જેમાં દિલ્હી-મુંબઈ અને દુબઇ જતા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. અમદાવાદના  એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો થયો છે. જેથી સરદાર પટેલ એરપોર્ટ દેશનું 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે, જ્યારે દિલ્હી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જ્યાં દર 1.5 મિનિટે એક ફ્લાઇટ ઓપરેટ થાય છે. અહીંયા રોજ લગભગ 1100 કરતાં પણ વધુ ફ્લાઈટ ઓપરેટ થાય છે તથા બીજા ક્રમાંક ઉપર મુંબઈ એરપોર્ટ છે ત્યારબાદ બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકત્તા આવે છે. ત્યારબાદ સાતમા ક્રમાંક ઉપર ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ એટલે કે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ આવે છે. જ્યાં આ વર્ષે ગત છ મહિના દરમિયાન દર 5.30 મિનિટે એક ફ્લાઇટ ઓપરેટ થઈ છે.

સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2024માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 48000 કરતાં વધુ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 8 ટકા જેટલી ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ 270 જેટલી ફ્લાઈટની અવરજવર દરરોજ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 220થી 230 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હતી. અમદાવાદ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અવનવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા બાદ અને સુધારો વધારો કર્યા બાદ અનેક ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે પશ્ચિમ ભારતમાં આ પસંદગીનું એરપોર્ટ બન્યું છે. જેને કારણે અનેક નવી કનેક્ટિવિટી પણ શરૂ થઈ છે. જેથી મુસાફરોને પણ સીધી કનેક્ટિવિટી મળતા પેસેન્જર સંખ્યામાં પણ વધારો થયો છે. (File photo)