Site icon Revoi.in

સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાનમાં ખામી સર્જાતા સારોલી-કડોદરા મેઈન રોડ સલામતી માટે બંધ કરાયો

Social Share

સુરતઃ શહેરના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં સર્જાયેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સારોલી કડોદરા મેન રોડ સલામતી માટે બંધ કરાયો છે. જેના લીધે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઇન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જોકે, કોઈપણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વત પાટિયા સુધી પહોંચનારા તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે.

શહેરમાં નિર્માણાધિન મેટ્રો બ્રિજના સ્પાનમાં ક્ષતિ સર્જાતા હાલ મરામતની કામગીરી ચાલી રહી છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સારોલી કડોદરા મેન રોડ બંધ કરાયો છે. તેની લીધે ટ્રાફિકજામ સર્જાયો છે. બુધવારે અહીં પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. મેઇન રોડ બંધ કરાતા અનેક વિસ્તારમાં અત્યારે પણ ટ્રાફિક જામ થતા પોલીસને મેદાને ઉતરવું પડ્યુ છે. શહેરના અનેક રોડ ડાયવર્ટ કરાયા છે. ઓવર બ્રિજ બંધ કરી રોડને ડાયવર્ઝન અપાયા છે. રેશમા સર્કલથી નહેર રોડ તરફ જવા માટે પોલીસની સલાહ છે. ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે. બ્રિજ સ્પામનું કામ હજુ બે દિવસ ચાલશે તેવી માહિતી મળી રહી છે.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શહેરના સારોલી ગામ નજીક ભરત કેન્સર હોસ્પિટલ પાસે ચાલી રહેલી મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો છે. આ ઘટનાના કલાકો બાદ પણ હજુ સુધી કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્પાન ઉતારવામાં નહીં આવે પરંતુ લોનચર પર જ રીપેર કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ  મેટ્રોના પિલર નંબર 747 અને 748 વચ્ચે 30 જુલાઈના રોજ વહેલી સવારે આ સ્પાન મૂકવામાં આવ્યો હતો. બપોરના સમયે એકાએક જ આ સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો હતો અને ત્યારબાદ પુણા અને સારોલી પોલીસ દ્વારા સુરત અને કડોદરાને જોડતો આ રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો.  ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાના ચારથી પાંચ કલાક બાદ મેટ્રોના અધિકારી ઘટના સ્થળ પર સમીક્ષા માટે આવ્યા હતા. એટલે કે મોડી રાતે જ કામગીરી શરૂ કરવાની વાતો મેટ્રોના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ હાલ કામગીરી ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહી છે અને તેના જ કારણે હજુ વધારે 48 કલાક સુધી આ રસ્તો બંધ રહે તેવી શક્યતા છે.