માળિયા હાટીનામાં યોજાયેલ સંમેલનમાં 62 ગામના સરપંચનું ભાજપને સમર્થન
અમદાવાદ :વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમદાવાદ મુલાકાતે આવેલા ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કેજરીવાલ અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ સાથે હવે જૂનાગઢના માળિયા હાટીનામાં સરપંચોનું સંમેલન યોજાયું. જેમાં 68માંથી 62 ગામના સરપંચોએ ભાજપને સમર્થન જાહેર કર્યું.
સરપંચો અને મોટી સંખ્યા સાથે જોડાયેલા આગેવાનોનું વાજતે ગાજતે ભાજપમાં સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ (Union Minister Parshottam Rupala) સરપંચોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં પણ સરપંચ સંમેલનમાં હાજર રહ્યા હતા. માળીયાહાટીના તાલુકામાંથી મોટાભાગના ગામડાઓના સરપંચો અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા હવે વિપક્ષ માટે અહીં જીતવું મોટો પડકાર સાબિત થશે.
સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવા અમદાવાદ આવેલા અમિત શાહે પોતાના સંબોધનમાં નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે,એક પક્ષ એવો છે જે દરરોજ મહેનત કરીને લોકોના કામ કરે છે અને બીજા પક્ષ એવા હોય જે પાંચ મહિના પહેલા જ નવો ઝભ્ભો-લેંઘો બનાવીને વચનોની ખોટી લ્હાણી કરે છે.