જુનાગઢઃ ગુજરાતમાં સાસાણગીર સહિત તમામ અભ્યારણ્ય 15મી જુનથી ચોમાસાની ઋતૂને કારણે બંધ કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન સિંહનો સવનનકાળ હોવાથી વનરાજો કોઈ ખલેલ સહન કરતા નથી. આથી સાસણગીરનું સિંહ અભ્યારણ્ય પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે ચોમાસુ પુર્ણતાના આરે છે. ત્યારે ફરી ગીર અભ્યારણ્ય 16 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાશે. સાસણ ગીર જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સાસણ અભ્યારણ્ય જંગલ સફારી પ્રવાસીઓ માટે 15 જુનથી બંધ કરી દેવામાં આવે છે, આ વર્ષે પણ 15મી જુનથી સાસણ અભ્યારણ્ય અને જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે ચાર માસ બાદ 16 ઓકટોબરથી ફરી ધમધમતુ થઈ જશે. વન વિભાગ દ્વારા જંગલના રોડ રસ્તાઓ કાચા ભારે વરસાદમાં તુટી જવા પામ્યા હોય તેને રીપેરીંગ કરી ફરી પૂર્વરત કરવામાં આવી રહ્યા છે. કાદવ કીચડ, રસ્તાઓનું ધોવાણ, નદી નાળા ભરપુર પાણીથી ચોમાસામાં વહેતા હોય જેના કારણે દર વર્ષે પ્રવોશબંધી કરવામાં આવતી હોય છે. તેમજ
સિંહોના તેમજ જંગલી પ્રાણીઓના મેટીંગ પીરીયડ હોય જેમાં તેમને ખલેલ ન પહોંચે જેથી પ્રવેશબંધી કરવામાં આવતી હોય છે. જે આગામી 16મી ઓકટોબરથી ફરી ધમધમતું થવાની વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાસણ જંગલ સફારી માટે ઓનલાઇન જ પરમીટ મળતી હોવાથી ઓનલાઇન બુકીંગ પરમીટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાતે માત્ર ગુજરાતના નહીં પણ બહારના રાજ્યોના અનેક લોકો પણ આવતા હોય છે. કૂદરતી વાતાવરણમાં વનરાજોને વિહાર કરતા નિહાળી શકે છે. 16મી ઓક્ટોબરથી અભ્યારણ્ય શરૂ કરાતા દિવાળી વેકેશન હોવાથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.