ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોય વાવઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે.
ગાંધીનગરમાં યોજાયેલી વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં બાદ રાહત કમિશનર આલોક પાંડે જણાવ્યું હતું કે, ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.
આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવો સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.
ગુજરાતમાં સંભવિત બિપોરજોય વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્ય પ્રધાને વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ ટીમ જીએસડીએમએ-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે. વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે, તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર માટે ટીમના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ કલેક્ટર કચેરી જામનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જામનગર પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ હેમ રેડિયો સિસ્ટમ આપતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે.