Site icon Revoi.in

યુક્રેનની સરહદ પાસે રશિયાના સૈન્ય દળોનો સેટાલાઈટ ફોટા સામે આવ્યાં

Social Share

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સરહદો પર મોટી સંખ્યામાં રશિયન સૈન્ય દળો હાજર હોવાની અટકળો વહેતી થઈ છે. હવે નવા સેટેલાઇટ ફોટા તેની પુષ્ટિ કરી રહ્યા છે જેમાં રશિયન બિલ્ડ-અપ જોઈ શકાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 48 કલાકમાં યુક્રેન બોર્ડર પાસે સૈન્ય ગતિવિધિઓ વધી છે.

રશિયાએ મોટાભાગે યુક્રેનના ઉત્તર અને ઉત્તરપૂર્વમાં તેની સૈન્ય હાજરી વધારી છે. તેમાં યુક્રેનના દક્ષિણપૂર્વ અને ક્રિમીઆમાં એક મુખ્ય એરબેઝનો પણ સમાવેશ થાય છે, જેનો રશિયાએ 2014માં કબજો લીધો હતો. હાલના અનુમાન મુજબ લગભગ 130,000 રશિયન સૈનિકોએ યુક્રેનની સરહદોને ઘેરી લીધી છે. રશિયન ફાઈટર જેટ યુક્રેનની સરહદ પાસે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ઉપરાંત, રશિયાએ તેની S-400 એર ડિફેન્સ સિસ્ટમ બેલારુસ-યુક્રેન સરહદ પર તૈનાત કરી છે.

રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં રશિયા બ્લેક સી અને એઝોવ સીમાં નેવલ એક્સરસાઇઝ પણ શરૂ કરી શકે છે. પશ્ચિમી નિષ્ણાતો આ કવાયતોને યુદ્ધની તૈયારીના ભાગરૂપે ગણાવી રહ્યા છે. રશિયાએ પણ તેની સેના બેલારુસ મોકલી છે, જેને તે સંયુક્ત કવાયત કહી રહ્યું છે. આ કવાયત 10 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 10 દિવસ સુધી ચાલવાની ધારણા છે. પશ્ચિમી નિષ્ણાતો માને છે કે રશિયાએ ઉત્તર સરહદથી હુમલો કરવા માટે તેની સેના બેલારુસ મોકલી છે.

કિવમાં ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે યુક્રેનમાં વર્તમાન પરિસ્થિતિની અસ્થિરતાને જોતા યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જેમને રહેવાની જરૂર નથી, તેઓએ અસ્થાયી રૂપે દેશ છોડી દેવો જોઈએ. ભારતીય નાગરિકોને બિનજરૂરી કારણોસર યુક્રેનની મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યુક્રેનમાં તેમની સ્થિતિ વિશે દૂતાવાસને માહિતગાર કરે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે દૂતાવાસ તેમના સુધી પહોંચી શકે. ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસ ભારતીય નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે યુક્રેનમાં તેની સામાન્ય કામગીરી ચાલુ રાખશે.