અમદાવાદ, 3 નવેમ્બર 2023: અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘સથવારો’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની વૈવિધ્યસભર કળા અને હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું. ઉદઘાટન આવૃત્તિના કાર્યક્રમમાં દેશભરના 20 સ્વ-સહાય જૂથો (SHGs) અને કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોની પ્રેરણાદાયી શ્રેણી દર્શાવવામાં આવી હતી. કારીગરોને સશક્ત બનાવવા અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં કારીગરો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરતું પ્લેટફોર્મ પુરું પાડવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ ટકાઉ આજીવિકા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રદર્શન સહ મેળામાં મધ્ય પ્રદેશના સિંગરૌલીની સિક્કી હસ્તકલાથી લઈને ગુજરાતના મુન્દ્રાની સુફ કળા પ્રદર્શિત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની વાર્લી કળા અને તામિલનાડુના કટ્ટુપલ્લીની તાડના પાંદડાના ઉત્પાદનો તેમજ કેરળના વિઝિંજમના નારિયેળના શેલથી બનેલી ચીજવસ્તુઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. આ પ્રદર્શનને મુલાકાતીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો.
સ્ટોલ પર ગ્રાહકોને સિક્કી પેઇન્ટિંગની કળા સમજાવતી ઉષા ગર્વની લાગણી અનુભવે છે. તે હંમેશા પોતાના દમ પર કંઈક કરવા માંગતી હતી અને સથવારો પહેલે તેના સપનાને પાંખો આપી છે. ઉષા જણાવે છે કે ” સિક્કી ઘાસના સોનેરી દાંડીમાંથી બનતા કાગળમાંથી બનાવેલી એક અદભૂત હસ્તકલા છે, જે મહિલાઓ જાતે બનાવે છે. ફાઉન્ડેશનના સમર્થનથી અમારુ જૂથ લાભ મેળવતા એકમમાં પરિવર્તિત થશે”. બે દિવસીય ઈવેન્ટમાં મહિલાઓ અને કલકારોં એ બહુમૂલ્ય રૂ. 6,50,000 નો બિઝનેસ કર્યો અને અદાણી ગ્રુપના કર્મચારીઓ સહિત મુલાકાતીઓમાં લુપ્ત થતી કળા વિશે જાગૃતિ ઊભી કરી.
સથવારો મેળાએ રોગન આર્ટ જેવી કળાને સ્થાન આપ્યું જેનાં મૂળ કચ્છમાં રહેલા છે. આ પરંપરાગત કાપડ તકનીકમાં એરંડા આધારિત પેઇન્ટનો ઉપયોગ કરીને ફેબ્રિક પર જટિલ અને રંગબેરંગી પેટર્ન બનાવવામાં આવે છે. કમનસીબે આ ઉત્કૃષ્ટ કળા લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે કારણ કે માત્ર એક જ કુટુંબે તે બનાવવાનું ચાલુ રાખ્યું છે.
સથવારો મેળામાં સાડેલી હસ્તકલાને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કલા સ્વરૂપમાં કારીગરો જટિલ રીતે લાકડા ને જોડીને ભૌમિતિક પેટર્ન બનાવે છે. જેના પરિણામે અદભૂત અને રંગબેરંગી વેનીયર વર્ક થાય છે. આ પ્રાચીન હસ્તકલા આજે અદૃશ્ય થઈ જવાના ભયનો સામનો કરી રહી છે.
સમકાલીન બજારોમાં પ્રવેશના અભાવે કારીગરો ઘણીવાર આર્થિક સંઘર્ષ કરે છે. ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં તેઓ ઉત્પાદનોનું પ્રદર્શન કરી નફો રળી શકે. સથવારો મેળો કારીગરોને અદાણીના કોર્પોરેટ ગિફ્ટિંગ પ્રોગ્રામ સાથે જોડવાની અને સંભવિત નફાકારક બજારના દરવાજા ખોલવાની પહેલ છે.
અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વસંત ગઢવી જણાવે છે કે “રાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક ઓળખ જાળવવા યોગદાન આપવાની આવશ્યકતા છે. વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક હસ્તકલાને પ્રોત્સાહન આપવાની પણ જરૂર છે જે જાગરૂકતા પેદા કરશે અને કારીગરો અને તેમની હસ્તકલાને ટેકો આપશે. પ્રાચીન હસ્તકલાના પુનરુત્થાન દ્વારા સથવારોનો ઉદ્દેશ્ય યુવા પેઢીને તેમના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા પ્રેરણા આપવાનો છે. તેનાથી આર્થિક વૃદ્ધિ, ટકાઉ આજીવિકા અને સાંસ્કૃતિક જાળવણી સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યો (SDG) સંરેખિત થશે.”
સથવારો એટલે એકસાથે અને તેનો લોગો એકતાને મૂર્તિમંત કરે છે. જે એકબીજાને પકડી આલિંગન કરવાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. કલા અને કારીગરોને ટકાવી રાખતો સથવારો આધુનિક માંગને પૂરી કરતી વખતે તાજી અને સમકાલીન ડિઝાઇન દ્વારા કારીગરોને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. પ્રદર્શનોમાં કારીગરો માર્કેટિંગ અને ગુણવત્તા નિયંત્રણનું મહત્વ શીખે છે જેનાથી ડિઝાઇનની ચોકસાઇ અને બજારની માંગ મુજબ પુરવઠો જાળવવામાં મદદ મળે છે.