મહેસાણાઃ જિલ્લામાં સતલાસણા તાલુકા પંચાયતની સત્તા આંચકી કોંગ્રેસે ભાજપને જોરદાર આંચકો આપ્યો છે. પાતળી બહુમતી ધરાવતી આ તા.પં.માં પ્રમુખ તરીકે કોંગ્રેસનાં મનીષાબેન દિપકકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે જગાજી લક્ષ્મણજી ઠાકોર 7 વિરુદ્ધ 8 મતે ચૂંટાઈ આવ્યા છે. તા.પં.માં 7 મહિના બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી. જેને લઇ ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કુલ 16 બેઠક પૈકી કોંગ્રેસ પાસે 8, ભાજપ પાસે 7 અને 1 બેઠક ઉપર અપક્ષ સદસ્ય ચૂંટાયાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પૂર્વે કોંગી સદસ્ય વસંતભાઇ જોશીની ધરપકડ મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી યોજવા કરેલા આદેશના પગલે મંગળવારે નવેસરથી ચૂંટણી યોજાઇ હતી. સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એક માસ અગાઉ હાઈકોર્ટે રદ કરી નવેસરથી યોજવા આદેશ કર્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન પટેલની દેખરેખ હેઠળ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખપદ માટે સતલાસણા-1 બેઠકના કોંગ્રેસનાં સદસ્યા મનીષાબેન દિપકકુમાર પટેલે અને સુદાસણા બેઠકના ભાજપનાં સદસ્યા લક્ષ્મીકુંવરબા વિરેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખપદ માટે સરદારપુર (ચીકણા) બેઠકના કોંગ્રેસના સદસ્ય જગાજી લક્ષ્મણજી ઠાકોર અને ટીંબા બેઠકના ભાજપનાં સદસ્યા ભારતીબા કિસ્મતસિંહ ચૌહાણે ઉમેદવારી કરી હતી. ચૂંટણી સભામાં કુલ 16 સદસ્યો પૈકી ભાજપના 6, કોંગ્રેસના 8 અને 1 અપક્ષ સહિત 15 સદસ્યો હાજર રહ્યા હતા. ધરોઈ બેઠકના ભાજપનાં સદસ્યા જમનાબેન વિક્રમજી ઠાકોર ગેરહાજર રહ્યા હતાં. જ્યારે નાની ભાલુ બેઠકના અપક્ષ સદસ્યએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. આથી પ્રમુખ તરીકે કોંગ્રેસનાં મનીષાબેન દિપકકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે જગાજી લક્ષ્મણજી ઠાકોર 7 વિરુદ્ધ 8 મતે ચૂંટાયા હતા.
સતલાસણા તાલુકામાં ભાજપના નેતાઓમાં જ્ઞાતિવાદ પ્રમાણે 3-4 જૂથ આમને-સામને છે. સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના હોવા છતાં એક પ્રદેશના નેતાની દરમિયાનગીરીના કારણે તાલુકા પંચાયત ગુમાવવી પડી હોવાની ભાજપના કાર્યકરોમાં ચર્ચા ઉઠી છે.