Site icon Revoi.in

અમદાવાદમાં શનિ-રવિ વરસાદની આગાહી, ભારત-પાક મેચમાં વરસાદ વિધ્નરૂપી બનશે ?

Social Share

અમદાવાદઃ  શહેરમાં કાલે શનિવારે  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની  રોમાંચક ક્રિકેટ મેચ યોજાશે. મેચમાં એક લાખ જેટલાં પ્રેક્ષકો ઉમટી પડશે. આ મેચ દરમિયાન મેધરાજા વિધ્નરૂપી બને એવા એંધાણ છે. હવામાન વિભાગ દ્વારા શનિવાર અને રવિવાર એમ બન્ને દિવસે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. નવરાત્રીનો પ્રારંભ રવિવારથી થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીની રંગતમાં વરપસાદ આફતરૂપ બને તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાના કહેવા મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. જોકે વરસાદના સામાન્ય ઝાપટાં પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. ત્યારે ચોમાસાની વિદાયની સાથે હવે આકરો તાપ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે વ્યક્ત કરી છે. હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવના છે. (File photo)