કળિયુગમાં આવી રહ્યો છે સત્યયુગ: રાકેશ બેદી અને વિંદૂ દારા સિંહ
લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ ખૂબ નજીક છે. તેની સાથે દરેકનો ઉત્સાહ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન યોજાનાર કાર્યક્રમની વિગતો સામે આવી રહી છે. જ્યા બોલિવુડથી લઈને ટીવી જગતના ઘણા સ્ટાર્સ રામ મંદિરના અભિષેકના સાક્ષી બનવાની તૈયારી કરી રહ્યા છે. એક્ટર રાકેશ બેદી અને વિંદૂ દારા સિંહ પણ અયોધ્યામાં તેમના અભિનય માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. બંન્ને એક્ટર્સને મંદિરની પ્રતિષ્ઠા પહેલા રામલીલા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિંદૂ દારા સિંહએ જણાવ્યું હતું કે, ‘મને 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં રામલીલા કરવા માટે આમંત્રણ આપ્યું છે. હું ભગવાન શિવની ભૂમિકા નિભાવી રહ્યો છું. અયોધ્યા વિશ્વનું ટોચનું તીર્થસ્થળ બનશે. અવું કહેવાય છે કે કળિયુગમાં પણ સત્યયુગ આવી રહ્યું છે. આ આપણા રામજી છે. મોદી અને યોગી આટલું કામ કરી દેશની સેવા કરી રહ્યા છે.’ રાકેશ બેદીએ જણાવ્યું હતુ કે, એરપોર્ટ બન્યા પછી તેમાં ઘણા ફેરફારો થશે. જ્યા એરપોર્ટ બને છે ત્યા વિકાસ આપોઆપ શરૂ થઈ જાય છે.
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં ‘રામલીલા’ના 18 સ્વરૂપોનું પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં નેપાળ, કંબોડિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાની ટીમોને આમંત્રિત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આમંત્રણ સૂચીમાં બોલિવૂડની હસ્તીઓ, ક્રિકેટરો અને ઉધોગપતિઓ સહિત 7000થી વધુ લોકોનો સમાવેશ થાય છે.