રાજકોટઃ ઉનાળાના આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના 9 ડેમના તળિયા દેખાયા છે. જ્યારે પાંચ ડેમમાં તો માત્ર એક ટકાથી ઓછું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ 20 જળાશયોમાં માત્ર 10 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની બુમરાણ પડશે. જો કે નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું હોવાથી પીવાના પાણી માટે સમસ્યા નહીં રહે પણ સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બનશે.
ઉનાળા પહેલા સૌરાષ્ટ્રને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર આવેલા કુલ 141 ડેમમાંથી નવ ડેમ તળિયા ઝાટક થયા છે. તો 5 ડેમમાં માત્ર એક ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે 20 ડેમો 90 ટકા ખાલી છે. અને માત્ર 10 ટકા જ પાણીનો જત્થો બચ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકોએ પાણી માટે નર્મદા આધારિત રહેવું પડશે. સરકાર સૌની યોજના મારફતે જળાશયોમાં પાણી ઠાલવવામાં આવે તો પાણીની મુશ્કેલી હલ થઈ શકે તેમ છે.
સિચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ઉનાળાના આગમન પહેલાં રાજ્યમાં જળાશયોમાં પાણી ખૂટ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 49.11 ટકા પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 73.52 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.48 ટકા પાણી છે. કચ્છના 20 ડેમમાં 40.46 ટકા પાણી બચ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.25 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં 72.57 ટકા પાણી છે. ગુજરાતના કુલ 207 જળાશયોમાં 67.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં 4 ડેમમાં 90 ટકાથી વધારે પાણી છે. આ ઉપરાંત 11 ડેમમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો સચવાયેલો છે. 15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા દરમિયાન પાણીની મુશ્કેલી પડશે. જો કે સરદાર સરોવર નર્મદામાં પુરતી જળરાશી હોવાથી રાજ્યભરમાં પીવાના પાણી માટે ખોઈ મુશ્કેલી નહીં પડે. જ્યાં સૌની યોજનાની સુવિધા નથી એવા વિસ્તારોમાં ડેમ ભરી શકાશે નહીં એટલે સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.