સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખ મતદારો વધ્યાં, રાજકોટમાં સૌથી વધુ 2,00,000 મતદારો ઉમેરાયાં
રાજકોટઃ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં નવા મતદારોની સંખ્યામાં 10 લાખનો વધારો થયો છે. જેમાં રાજકોટ લોકસભાની બેઠક પર બે લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. નવા મતદારોમાં મોટાભાગના મતદારો યુવા મતદારો છે. એટલે રાજકીય પક્ષો પણ યુવા મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 1.31 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા ગત વિધાનસભામાં જ્યાં નીચું મતદાન થયું હતું તેવા વિસ્તારોમાં મતદાન વધારવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદ કરવામાં આવી છે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રની 7 સહિત ગુજરાતની 26 લોકસભા બેઠકમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાશે. મતદાન માટે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આગામી ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતનો ફેંસલો કરે તેટલા મતદારોનો વધારો થયો છે. સૌરાષ્ટ્રની તમામ 7 બેઠકમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 10.2 લાખ મતદારોનો વધારો થયો છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ 2 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જોકે મતદારો વધ્યા તે મુજબ મતદાનની ટકાવારી વધે તે જરૂરી છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામ 7 બેઠકમાં કુલ 1.20 કરોડ મતદારો નોંધાયા હતા. સાતેય બેઠકમાં કુલ 50.77 ટકા મતદાન થયું હતું. જ્યારે સમગ્ર રાજ્યમાં 64.51 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટના પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠકમાં તો 50 ટકાથી નીચે મતદાન થયું હતું. હવે આગામી લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કુલ 1.31 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા ગત વિધાનસભામાં જ્યાં નીચું મતદાન થયું હતું તેવા વિસ્તારોમાં મતદાન વધારવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદ કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચૂંટણીની તારીખનું એલાન થતાં જ ચૂંટણી પંચ દ્વારા બેઠક વાઈઝ મતદારોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ રાજકોટ બેઠકમાં 2 લાખથી વધુ મતદારોનો ઉમેરો થયો છે. બાકીની તમામ બેઠકમાં 5 વર્ષમાં સરેરાશ એકથી દોઢ લાખ મતદારોનો વધારો થયો છે. નવા મતદારો નોંધવા માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં બે વખત મતદાર નોંધણી કાર્યક્રમ કરવામાં આવતો હતો, પરંતુ ગત વર્ષથી આ કાર્યક્રમ વર્ષમાં 4 વખત કરવાનો નિર્ણય લેવાયા બાદ મતદાર નોંધણીમાં યુવા મતદારો વધ્યા છે.