રાજકોટ : સૌરાષ્ટ્રમાં એક સમયે તેલીયા રાજાઓની બોલબાલા હતી. હવે મોટી ઓઈલ મિલરો માટે કપરો સમય ચાલી રહ્યો છે. મગફળીના ઉંચા ભાવને લીધે આ વર્ષે સીંગતેલ મિલો પહેલેથી માંડ માંડ ઉત્પાદન પડતર બેસાડી રહી છે. એવામાં બે ત્રણ વર્ષથી કચ્ચી ઘાણી (દેશી ઘાણા)નું ચલણ વધી જતા મોટી તેલ મિલોના ધંધામાં 30-35 ટકા જેટલું ગાબડું પડયું છે. સૌરાષ્ટ્રમાં આશરે 300થી 350 જેટલી સીંગતેલ ઉત્પાદન કરનારી મિલો છે પણ અત્યારે માંડ 80થી 90 મિલો (25 ટકા જ) ચાલુ હોવાનો અંદાજ છે. પીલાણ ચાલુ છે તેવી મિલો પણ સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ માંડ ચાલે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર અને રાજકોટ પંથકની મોટાભાગની મિલો બંધ થઈ ગઈ છે. ગોંડલ, ઉપલેટા, મોરબી અને આસપાસના વિસ્તારોમાં તેલમિલો ચાલુ છે. જોકે તેનો આંકડો 100 કરતા ઓછો છે. મગફળી ખરીદીને સીંગતેલનાં ઉત્પાદનમાં પડતર લાગવાની કે ડિસ્પેરિટી સર્જાવાની સમસ્યા વારંવાર થાય છે એટલે ઘણી મિલો બંધ થઈ ગઈ છે. ક્યારેક રૂ. 25-50ની ડિસ્પેરિટી હોય તો ક્યારેક રૂ. 50-75નો ફાયદો પણ હોય છે. સીંગતેલ લૂઝનો ભાવ રૂ. 1275-1300 આસપાસ સ્થિર થયો છે એટલે થોડી રાહત છે. જોકે હવે સીઝન પૂરી થવામાં છે અને આ વખતે વેચાણમાં ભારેખમ ફટકો પડયો હોવાનું મિલરો કહી રહ્યા છે.
રાજકોટના જાણીતા એક સિંગતેલ મિલરે જણાવ્યું હતું કે, સીંગતેલની ખપત જૂની તેલમિલોમાંથી ઓછી થઈ ગઈ છે એનું કારણ ગામેગામ ખૂલી ચૂકેલા દેશી ઘાણાનું ગણાવી શકાય, કારણ કે આ વખતે કપાસિયા, સીંગતેલ અને સૂર્યમુખી જેવા તેલોના ભાવ લગભગ એકસમાન જેવા છે એટલે સીંગતેલનો ઉઠાવ વધ્યો છે પણ લોકો દેશી ઘાણી તરફ વળ્યા છે. આ રીતે 30-35 ટકા જેટલો ધંધો બ્રાન્ડવાળાનો ઘટયો હોવાનું એક તારણ છે.
બ્રાન્ડેડ તેલવાળાની કઠણાઈ એ પણ છેકે અત્યારે તેલનો ઉઠાવ ઓછો છે અને ખોળની માગ નબળી હોવાથી તેની ખપત પણ ઘણી ઓછી છે. આમ તેલ વેચવાનું કઠણ થઈ રહ્યું છે. એક તેલ મિલર કહે છે, અગાઉ વિવિધ મંડળી કે જૂથોમાં તેલના ડબાની બલ્કમાં માગ રહેતી હતી પણ હવે તેમાં ખાસ્સો ઘટાડો થયો છે. નાના યુનિટો તરફ માગ વળતી જાય છે તે હકીકત છે. મગફળીનું ઉત્પાદન વધવાને લીધે તેલ ઉદ્યોગમાં જીવ આવ્યો હતો પણ હવે બિઝનેસમાં હરિફાઇ વધી છે એટલે સમસ્યાય ઓછી રહી નથી.