સૌરાષ્ટ્ર: સિંગતેલના ભાવમાં વધારો થયો,સામાન્ય લોકોને તકલીફ
રાજકોટ: જ્યારે જ્યારે પણ કમોસમી વરસાદ આવે છે ત્યારે રાજ્યમાં જે તે વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. હાલમાં હવે વારો આવ્યો છે સિંગતેલનો કે જેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વાત એવી છે કે હમણા જ થોડા સમય પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે હવે ખેડૂતોની ચિંતા થઈ રહી છે કે તેમનો પાક ફેઈલ જશે. આ કારણોસર માવઠાને કારણે ખેત પેદાશ પર અસર જોવા મળી છે જેને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. દિવાળી બાદ સિંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે.
આ ઉપરાંત વાત તે પણ જાણવા જેવી છે કે, સિંગતેલના ડબ્બે રૂ. 20નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ રૂ. 2 હજાર 735થી રૂ. 2 હજાર 785 રહ્યા, તો કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ રૂ. 1 હજાર 610થી રૂ. 1 હજાર 660 રહ્યા હતા.
હાલ તો જાણકારો એવું પણ કહી રહ્યા છે કે જો આ પ્રકારે વરસાદી માહોલ બની રહેશે અથવા કમોસમી વરસાદ વધારે પ્રમાણમાં આવશે તો અન્ય વસ્તુઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. બીજી તરફ જાણકારો દ્વારા તેવુ પણ કહેવામાં આવે છે કે વેપારીઓ પણ સિઝન અને ઋતુને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો ઘટાડો કરતા હોય છે જેના કારણે સામાન્ય વર્ગના લોકોને જોરદાર તકલીફનો સામનો કરવો પડતો હોય છે.