Site icon Revoi.in

ખેડુતોની સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રનો દબદબો, દિલપ સંઘાણી ચેરમેન તરીકે બીન હરિફ ચૂંટાયા

Social Share

અમદાવાદઃ દેશની ખેડુતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇફ્કોના ચેરમેન તરીકે ફરીવાર દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા જ યોજાયેલી ડિરેક્ટરપદની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી.

ઈફ્કોની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે અને  બલવીંદરસિંઘ વાઈસ ચેરમેન ચૂંટાયા હતા. મૂળ અમરેલીના એવા ભાજપના અગ્રણી ગણાતા દિલીપ સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયેલા છે. જ્યારે ઉત્તરપ્રદેશના વતની એવા બલવીંદરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી સહકારી ક્ષેત્રે કાર્યરત છે.

ઈફ્કોના ડિરેક્ટરોની ગુરૂવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી. જયેશ રાદડિયાને જીતાડીને સંઘાણીએ ઈફ્કોમાં બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં જશ્નનો માહોલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન ગોતા (પટેલ)ને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપીન ગોતાને 66 મત જ મળ્યા હતા. આથી જયેશ રાદડિયાની જીત થઈ હતી.