Site icon Revoi.in

ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ સુવર્ણ અક્ષરે નોંધાશે

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ સાગર વૉક વે નજીક રાજ્યના આદિજાતિ વિકાસ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમિલ બાંધવો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રથી તમિલનાડુ સ્થાયી થયેલા છે તે પૂર્વજોની અસ્મિતા લઈને સૌરાષ્ટ્ર આવેલા તમિલ બાંધવોને પોતાના વતનને મળવાનો આ સુવર્ણ અવસર છે. આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ સાથે દેશની એકતાનો આ મહાસંગમ એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ” અભિગમને ચરિતાર્થ થતો દર્શાવે છે. ઐતિહાસિક હિજરત પછી પણ પોતાની સંસ્કૃતિ, વારસા, રીત ભાત દરેકને નિભાવીને સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાય આજે દેશની પ્રગતિમાં દરેક ક્ષેત્રે યોગદાન આપી રહ્યો છે. આ સમુદાય એ હજુ સુધી પોતાની ભાષાને સાચવી છે ત્યારે સૌરાષ્ટ્ર સમુદાયની સૌરાષ્ટ્રની બોલી પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ સંશોધન હાથ ધરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં મંત્રી કુબેરભાઈએ જણાવ્યુ કે, ભારત વિશ્વગુરુ હતું, ભારતીય ગુરુકુળ પરંપરા થકી ભારત એ શ્રેષ્ઠ સંસ્કૃતિ ધરાવતું હતું. ભારતના આ પાસાઓને ફરી સંગઠિત કરી વિશ્વ મહાસત્તા બનાવી શકાઈ. ભારતના આ સ્વપ્નને સાકાર કરવા દેશના  ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ સહિતના તમામ રાજ્યોના બાંધવો-ભગિનીઓ એકબીજા સાથે આદાન-પ્રદાન કરે તો ભારત ફરી શ્રેષ્ઠની દિશા હાંસલ કરી શકાય, તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

નવી શિક્ષણનીતિ વિશે મંત્રીએ કહ્યુ કેઅંગ્રેજોએ ભારતની શિક્ષણ પ્રણાલીને તોડી હતી અને ભારતને ગુલામ બનાવ્યું હતું. માત્ર રોજગારલક્ષી શિક્ષણથી આગળ વધી કૌશલ્યલક્ષી શિક્ષણ નવી શિક્ષણનીતિ પ્રસ્થાપિત થશે. ભારતીય ગુરુકુળ પરંપરાને પુન:સ્થાપિત કરી ભારતીય શિક્ષણ પ્રણાલીને ફરી મજબૂત બનાવી શકાશે. ભારતીય શાસ્ત્ર પ્રમાણે શિક્ષણ પ્રણાલી દ્વારા પુરુષોને ૬૪ અને સ્ત્રીઓને ૭૨ કલાઓ શીખવવામાં આવતી હતી તેને નવી નીતિ પ્રમાણે ફરીથી સંકલિત કરી અમલી કરવામાં આવશે અને આ દરેક પ્રયાસ દ્વારા ભારતના શ્રેષ્ઠપણાનો નવો ઇતિહાસ લખાશે. જે ઇતિહાસમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સુવર્ણ  અક્ષરે નોંધાશે, તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.