રાજકોટઃ મુંબઈના પનવેલ નજીક એક ગુડ્ઝ ટ્રેન ખડી જતાં રેલવે વ્યવહાર અટકી ગયો હતો. જેમાં કોચી-ઓખા ટ્રેનને પણ અધવચાળે રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા રાજકોટના મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાઈ પડયા હતા. દરમિયાન આ બાબતની જાણ થતાં જ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતને થતાં તેમણે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને વાકેફ કરી વિદ્યાર્થીઓ માટે મદદ માંગી હતી. આથી શક્તિસિંહ ગોહિલે તુરંત જ રેલવેના જનરલ મેનેજર તેમજ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષને વાત કરતાં તત્કાલ રેલવે તંત્ર દ્વારા મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓને રેલવે તંત્ર દ્વારા ભોજન-પીવાના પાણી સહિતની સુવિધા તત્કાલ પુરી પાડવામાં આવી હતી.
કોંકણ-મુંબઇ રેલવે રૂટ પર માલગાડી ખડી પડતા કોચી-ઓખા ટ્રેનને મહારાષ્ટ્રના પનવેલ સહિતના બે સ્ટેશનો વચ્ચે થંભાવી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને પીવાના પાણી અને ભોજનના સાંસા થઇ પડયા હતાં.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીના 80 વિદ્યાર્થીઓ કેરલના આ શૈક્ષણિક પ્રવાસે ગયા હતા ત્યાંથી કોચી-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ સાથે રાજકોટ પરત ફરી રહ્યા હતાં. દરમિયાન કોંકણ મુંબઇ રૂટ પર માલગાડી ખડી પડતા મહારાષ્ટ્રના પનવેલ નજીક આ ટ્રેન કોચી-ઓખા ટ્રેનને સવારના 7 વાગ્યાથી અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ભૂખ્યા-તરસ્યા પરેશાન બની ગયા હતાં. 12 કલાકથી વધુ સમય વિત્યા બાદ કોઇ જવાબદાર વ્યકિત ટ્રેન ક્યારે ઉપડશે તે બાબતે જવાબ આપી રહ્યા ન હતા. આ દરમિયાન વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત પાસે વિદ્યાર્થીઓએ રજુઆત કરી હતી કે 12 કલાકથી એમે ભૂખ્યા છીએ. અમને સ્વખર્ચે ખાનગી બસમાં પણ જવા નથી દેવાતા.બીજીબાજુ પનવેલમાં ભારે વરસાદ પણ ચાલુ હોવાથી પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. વિદ્યાર્થી નેતાએ ગંભીર બાબતની ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને વાકેફ કરી વિદ્યાર્થીઓને મદદની રજૂઆત કરતા શક્તિસિંહે સંબંધિત સેન્ટ્રલ રેલવેના અધિકારી સાથે તાકિદે વાત કરીને કેન્દ્રીય રેલવેમંત્રીનું પણ ધ્યાન દોર્યુ હતું અને તત્કાલ નિરાકરણ માટે રજૂઆત કરી હતી. સાંસદ ગોહિલે ટ્વીટ કરી સમગ્ર બાબત રાજ્ય સરકારનું પણ ધ્યાન દોર્યુ હતુ.
આ બાબતે રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે મંત્રીને રજુઆત કરાયાના એક કલાક બાદ રેલવે સ્ટેશનના અધિકારીઓ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટ લઇને કોચ સુધી પહોંચ્યા હતા અને કોઇપણ સમસ્યા હોય તે જણાવવા કહ્યું હતું. મુંબઇ રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચ્યા બાદ રેલવેના ટોચના અધિકારીઓ વિદ્યાર્થીઓ સુધી આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને જમવાનો આગ્રહ કરી હાલચાલ પૂછ્યા હતા.