Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન તમામ કોલેજોને 14 જૂન સુધીમાં ફાયર NOCની વિગતો મોકલવા આદેશ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર NOCને લઈને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હાસ્પિટલોમાં પણ ફાયર એનઓસીના મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્દેશ બાદ કડક વલણ અપનાવ્યું છે. શાળા-કોલેજોના બિલ્ડિંગોમાં ફાયરની વ્યવસ્થા છે. કે કેમ?  અને ફાયર એનઓસી લીધી છે કે કેમ? તેની તપાસ કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ એ.એસ.પારેખ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, જે કોલજો પાસે NOC નથી તેવી કોલેજો કેટલા સમયમાં NOC મેળવશે તેનું એફિડેવિટ આપવાનું રહેશે. દરેક કોલેજોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીને માહિતી આપવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ઘણી કોલેજોના બિલ્ડિંગને ફાયર એનઓસી નથી. કોલેજના સંચાલકો ફાયરની એનઓસી લેવામાં પણ આળસ દાખવતા હોય છે. હવે ઉચ્ચ શિક્ષણ કમિશનરે તમામ યુનિવર્સિટીઓને સંલગ્ન કોલેજો પાસે ફાયર એનઓસી છે, કે નહીં તે તપાસવાની સુચના આપતા યુનિ.એ પરિપત્ર કર્યો છે. ફાયર એનઓસી ન ધરાવતી કોલેજોના સંચાલકોએ કેટલા સમયમાં ફાયર એનઓસી મેળવશે તે અંગે સોગંદનામું આપવું પડશે,

અત્રે ઉલ્લેખનિય છે કે, તા. 4 એપ્રિલ,2020ના રોજ અમિત મણિલાલ પંચાલની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પિટિશન નં.118/2020ના અનુસંધાને ગુજરાત હાઇકોટ્રે રાજ્ય સરકારને કોલેજો, શાળાઓમાં ફાયર NOC છે. કે, નહીં તેની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. પિટિશનમાં 14 જૂનની મુદ્દત હોય તાકીદે શિક્ષણ વિભાગને ફાયર NOCની વિગત આપવાની હોય તેથી જોડાણ વિભાગને વિગતો ઇ-મેલથી મોકલવા નાયબ કુલસચિવે તાકીદ કરી છે.