રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.ની સેમ.-4ની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરંતુ આ પરીક્ષામાં ઘરની ધોરાજી જેવી સિસ્ટમથી ચોરીના દુષણે મોટો ફુંફાડો મારી દીધાની ફરિયાદો ઉઠી છે. યુનિ. પરીક્ષામાં ચોરીનું દુષણ વકરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અન્યાયરૂપ બનશે. તેવી હોશિયાર વિદ્યાર્થીઓ દહેશત વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અગાઉ પરીક્ષામાં જબલીંગ સિસ્ટમનો અમલ કરાતા એક કોલેજના વિદ્યાર્થીઓના બીજી કોલેજમાં પરીક્ષાના નંબરો ગોઠવાતા હતા. જેના પગલે પરીક્ષા ચોરી પર થોડા અંશે લગામ આવતી હતી.પરંતુ તાજેતરમાં જ યુનિ. દ્વારા જબલીંગ સિસ્ટમ રદ્દ કરી નાખવામાં આવી છે. જેના પગલે યુનિ. સંલગ્ન જે તે કોલેજના વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં જ પરીક્ષા આપી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. યુનિ.ની આ ઘરની ધોરાજી જેવી જોગવાઇથી ગુરૂવારથી પ્રારંભ થયેલી સેમ.-4ની પરીક્ષામાં પ્રથમ દિવસે અનેક કોલેજોમાં બેફામ ચોરી થયાની ફરિયાદો ઉઠવા પામી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ.ની સેમેસ્ટર -4ની પરીક્ષા યુનિ. સંલગ્ન 157 કોલેજોના કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે. 41 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરંતુ આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિનું દુષણ વધતા આ વિષય ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અત્રે ઉલ્લેખનીય છે, કે, સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ચોરીનું દુષણ એ કોઇ નવી વાત નથી અગાઉ ગોંડલ અને અમરેલી કેન્દ્રમાં બેફામ ચોરી અને માસકોપી કેસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો શિક્ષણ જગતમાં પડયા હતા. જેમાં હવે જબલીંગ સિસ્ટમ રદ થતા સેમ.-4ની પરીક્ષામં પણ પરીક્ષા ચોરીના દુષણે ફુંફાડો મારી દીધાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.