સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ, સેનેટની ચૂંટણી ગુનાઈત ઈતિહાસ ધરાવનારા હવે નહીં લડી શકે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ, સિન્ડિકેટ સહિતની ચૂંટણીઓમાંથી ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકો ઉમેદવારી નહીં કરી શકે અને તેમનું નામ મતદાર યાદીમાંથી પણ બાકાત કરવામાં આવશે. કોપીકેસમાં નામ ચડયું હોય તેવા ઉમેદવારોને પણ આ નિયમ લાગુ પડશે. તેથી હવે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો સિન્ડિકેટ કે સેનેટની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટમાં એક પ્રસ્તાવ મુકાયો હતો. જે મુજબ ગુનાઈત ઈતિહાસ ધરાવનારા લોકો સેનેટ, સિન્ડિકેટની ચૂંટણીમાંથી ઉમેદવારી ન કરી શકે એવી રજુઆત હતી. જેને જે-તે સમયે સિન્ડિકેટની બેઠકમાં મંજુર રખાયા બાદ મળેલી સેનેટની બેઠકમાં પણ અનુમોદન અપાયું હતું. ત્યારબાદ આ પ્રસ્તાવની અમલવારી માટે રાજ્ય સરકાર, રાજ્યપાલ પાસે દરખાસ્ત કરી મંજુરી માગવામાં આવી હતી. જેને રાજ્યપાલ, કુલાધિપતિએ ગ્રાહ્ય રાખી હતી. આ પ્રક્રિયા આશરે દોઢેક વર્ષ પહેલા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ આગામી માર્ચ ર022માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ ઓર્ડિનન્સ 187 મુજબ તેમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકો ઉમેદવારી કરી શકશે નહીં અને તેમનું નામ મતદાર યાદીમાંથી પણ બાકાત કરવામાં આવશે.
આ પ્રકારની અમલવારી કરનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ બનશે. આ ઉપરાંત શરતી માન્યતા ધરાવતા અધ્યાપકોના ચૂંટણી લડવા મામલે કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે યુજીસીના નિયમ મુજબ જે અધ્યાપકોએ યુજીસીની શરતો પુરી ન કરી હોય તેઓ અધ્યાપક રહેતા જ નથી. આથી જે અધ્યાપક નથી તેઓ ચૂંટણી લડી શકે નહીં.