સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીને હટાવાયા, નીલાંબરી દવેને ઈન્ચાર્જનો હવાલો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોનું પર્યાય બની ગઈ હતી. રોજબરોજ અવનવા વિવાદો સર્જાતા હતા, અને વિવાદોને સુલજાવવામાં પણ યુનિ.ના કાર્યકારી કૂલપતિ ગિરીશ ભીમાણી નિષ્ફળ ગયાના આક્ષેપો પણ યુનિવર્સિટીના વર્તુળોમાં થઈ રહ્યા હતા. ઘણીબધી ફરિયાદો રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાદ સુધી પહોંચી હતી. આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ગિરીશ ભીમાણીને હટાવીને હાલ નીલાંબરી દવેને કાર્યકારી કૂલપતિનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરી દવેને ચાર્જ સોંપાયો છે. ગિરીશ ભીમાણી પરિક્ષા કાંડ, બોગસ કોલેજ કાંડ સહિત અનેક વિવાદોમાં હતા. જેમાં નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષાકાંડમાં વિવાદમાં હતા. ગત તારીખ 6 મેના રોજ જામનગરની નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં તારીખ 4 મેના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કમિટી બનાવી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે મે મહિનામાં યુનિ.ના સિનિયર ડીનની યાદી માગવામાં આવી હતી. આ યાદી મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર ભીમાણીની હકાલપટી અટકાવી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર ડીનની યાદીમાં કુલ 4 લોકોનો સમાવેશ થયો હતો, જેમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન નીલાંબરી દવે, લો ફેકલ્ટીના ડીન મયૂરસિંહ જાડેજા, મેનેજમેન્ટ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન એસ. ભાયાણી અને આર્કિટેક્ટ ફેકલ્ટીના ડીન દેવાંગ પારેખનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નીલાંબરી દવે અગાઉ એક વખત ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યાં છે અને તેઓ વિજય રૂપાણી જૂથનાં નજીકનાં હોવાનું કહેવાય છે.