સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને 11મી જુન સુધીમાં ફાયર સેફ્ટીની વિગતો મોકલવા આદેશ
રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે. કે, કેમ તેની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગે માગી છે. જો કે, રાજ્યની તમામ યુનિવર્સિટી પાસે વિગતો ફાયર સિસ્ટમની વિગતો માગવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે અંગે ચકાસણી કરીને આગામી 11મી જૂન સુધીમાં જરૂરી પ્રમાણપત્ર સંબંધિત ઇ-મેલ પર મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ સંલગ્ન કોલેજો પાસેથી ફાયર NOC, ફાયર સેફ્ટીની વિગતો મગાવી છે, પરંતુ કેટલીક કોલેજોએ યુનિવર્સિટીનો આદેશ છતાં હજુ સુધી વિગતો મોકલી નથી. યુનિવર્સિટી દ્વારા ફરીવાર સુચના આપવામાં આવી છે. 11મી જુન સુધીમાં કોલેજો માહિતી નહીં મોકલે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં 9 મીટર કે તેનાથી ઓછી ઊંચાઇ ધરાવતી ઇમારતમાં લઘુતમ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે, કેમ તેની ચકાસણી કોલેજના આચાર્ય, નિયામક અને રજિસ્ટ્રારે કરવાની રહેશે. અને ફાયર સેફ્ટી એક્સપાયર થઇ છે કે નહીં તેની ચકાસણી પણ આજ હોદ્દેદારોએ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે પણ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે. રાજ્યની તમામ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠ, સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેને એક પરિપત્ર મોકલીને તાકીદ કરવામાં આવી છે કે, ફાયર NOC મેળવવામાં આવી છે કે નહીં, જો મુદત પૂરી થઇ ચૂકી હોય તો રિન્યૂ કરાવી છે કે નહીં તેની ચકાસણી કરવા પણ સૂચના આપી છે.