રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉનાળાની ગરમી સાથે હવે પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સ્નાતકની વિવિધ ફેકલ્ટીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓનો આજથી એટલે કે 26મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષા 42,437 વિદ્યાર્થીઓ 160 પરીક્ષા કેન્દ્રો પરથી આપશે.પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો સેવા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીને લીધે મહિનો વહેલા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે અગાઉ વિદ્યાર્થીઓ અને કેટલાક અધ્યાપકોએ પણ વહેલા પરીક્ષા લેવા સામે વિરોધ કર્યો હતો. પરંતુ યુનિવર્સિટીના સત્તાધિશોએ નિયત કરેલા સમય મુજબ પરીક્ષા લેવાશે એવી જાહેરાત કરી હતી. પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના કહેવા મુજબ તા.26 માર્ચથી 3 એપ્રિલ સુધી કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા એટલે કે, અન્ડર ગ્રેજ્યુએશનના સેમેસ્ટર- 6ના 42,437 વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી. એસ. ડબલ્યુ., એમ. એસ. ડબલ્યુ, બી. એ. બી. એડ. સહિતના 27 કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બી.એ. અને બી.કોમ. માં રેગ્યુલરની સાથે એક્સ્ટર્નલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે. તા. 3જી એપ્રિલના સ્નાતક કક્ષાના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ 4 એપ્રિલથી અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વારા પારદર્શકતા જળવાય તે માટે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પરીક્ષાના CCTV ઓનલાઇન મૂકવામાં આવે છે. ત્યારે હવે આજથી શરૂ થતી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષાના સીસીટીવી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેથી યુનિવર્સિટી દ્વારા કઈ રીતે પારદર્શકતા સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે તે તમામ લોકો ઓનલાઈન જોઈ શકશે.