સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હવે લાઈવ જોઈ શકાશે, પ્રશ્નપત્રમાં દરેક કોલેજનો QR કોડ મુકાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાને વધુ પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પરીક્ષા પારદર્શી બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર દરેક પરીક્ષા કેન્દ્રના CCTVનું જોડાણ આપવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણેથી વેબસાઇટ પર આવી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા લાઇવ જોઈશકશે. આ દરમિયાન કોઈ પણ કોલેજ કેન્દ્ર ખાતે ગેરરીતિ થતી જણાશે તો તેમના કોલેજનું જોડાણ રદ કરવા સુધીની સખત કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓને વધુ પારદર્શી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરીક્ષાને સીસીટીવીના માધ્યમથી લાઈવ કરાયા બાદ આગામી સમયમાં વધુ એક નિર્ણય કરવામાં આવશે. જેમાં 19મી જુલાઈથી શરૂ થતી પરીક્ષામાં જે-તે પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્રના ઓફિશિયલ મેઇલ એડ્રેસ પણ અડધો કલાક પૂર્વે પ્રશ્નપત્ર મેઇલથી મોકલવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં કોલેજનો QR કોડ મુકવામાં આવશે. જેના થકી કોઈ પ્રશ્નપત્ર લીક થાય અથવા કોઈ અન્ય ગેરરીતિ જણાશે તો તત્કાલિક QR કોડ સ્કેન કરી કેન્દ્ર જાણી શકાશે અને જે-તે કોલેજ કેન્દ્રનું જોડાણ રદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇ બાદમાં એક્ઝામ CCTV કેમેરા લાઇવ ઓપશન પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અમરેલી, દીવ, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર ઓપ્શન આપવામાં આવશે. જેમાંથી જે જિલ્લાના કોલેજ કેન્દ્ર કે જ્યાં પરીક્ષા લેવામાં આવતી હોય તે પસંદ કરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને લાઇવ નિહાળી શકાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ 127 પરીક્ષા કેન્દ્ર પર અલગ અલગ 50 જેટલા અભ્યાસક્રમોની 51,955 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવી રહી છે. -પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.