રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બીકોમ સેમેસ્ટર-2 સહિત વિવિધ વિદ્યાશાખાના 67494 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 25મી એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16653 વિદ્યાર્થી અને એક્સટર્નલના 4014 વિદ્યાર્થી, બી.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16496 વિદ્યાર્થી અને એક્સટર્નલના 831, એમએ ઓલ સેમેસ્ટર-2ના એક્સટર્નલના 3326 વિદ્યાર્થી, બીબીએ સેમેસ્ટર-2ના 3419, એમ.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 1684 અને એક્સટર્નલના 3170 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે જેના માટે ઓબ્ઝર્વર અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ સાયન્સ ફેકલ્ટી અને કેટલીક ફેકલ્ટીના પેપર QPDS (ક્વેશ્નન પેપર ડિલિવરી સિસ્ટમ)ના આધારે ઓનલાઈન મોકલવાનું નક્કી કરાયું હતું. બીસીએ સહિતના કેટલાક કોર્સના પેપર અગાઉ દરેક કેન્દ્રોને ઈ-મેલથી મોકલાયા હતા. પરંતુ કાલથી શરૂ થયેલી પરીક્ષામાં બીસીએ સહિતના કેટલાક કોર્સના પ્રશ્નપત્રો કોલેજોને ઓનલાઈનને બદલે ફરી ઓફલાઈન મોકલાતા QPDS સિસ્ટમનો નક્કર અમલ થઇ શક્યો નહીં હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લેવામાં આવી રહી છે ત્યારે વી.ડી. ગાર્ડી લો કોલેજ, વઢવાણમાં એલએલબી સેમેસ્ટર-2ની પરીક્ષામાં એક કોપીકેસ પકડાયો હતો. જ્યારે બીજી બાજુ કોટડાસાંગાણીની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજમાં બીએ સેમેસ્ટર-2ની પરીક્ષામાં એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરીને પેપર લખતા હોય પકડી પાડી કોપીકેસ દાખલ કરાયો હતો. ક્યારેક સીસીટીવી રૂમમાંથી પણ ઓબ્ઝર્વરને સૂચિત કરીને ક્યા ચોરી થાય છે તેનું ધ્યાન દોરવામાં આવે છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને ઈડીએસીની બેઠકમાં હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તે તમામ વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવશે.