Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશ માટે 8મી ઓક્ટોબરે પરીક્ષા, 124 જગ્યા માટે 1100 અરજી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે. પીએચડીમાં  જુદા જુદા વિષયોમાં કુલ 124 જગ્યાઓ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં પાસ કરી છે તેની વેલિડિટી લાઈફટાઈમ ગણાશે. આવા વિદ્યાર્થીઓમાંથી વર્ષ 2022-23માં પીએચ.ડીમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તેમણે ચાલુ વર્ષે યોજાનારા પીએચ.ડીની મેરિટ પરીક્ષા ફરજિયાત પણે આપવી પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાનારી પીએચ.ડીની એન્ટ્રન્સ ટેસ્ટ માટે સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225 ફોર્મ ભરાયા છે જ્યારે અંગ્રેજીમાં 7 જગ્યા સામે 95 ફોર્મ, કેમિસ્ટ્રીમાં 7 જગ્યા માટે 83, ગુજરાતીમાં 6 સીટ માટે 61 ફોર્મ, માઈક્રોબાયોલોજીમાં 9 સીટ સામે 56 ફોર્મ, સોશિયલ વર્કમાં 2 સીટ સામે 51 ફોર્મ સહિત જુદા જુદા 25 વિષયમાં પીએચ.ડી કરવા માટે અત્યાર સુધીમાં 1100થી વધુ ફોર્મ ભરાઈ છે.

આ ઉપરાંત ફિઝિકલ એજ્યુકેશનની 4 અને પોલિટિકલ સાયન્સની 3 સીટ માટે પણ ફોર્મ ભરાયા છે. ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે તેમણે ચાલુ વર્ષે પીએચ.ડી કરવા માટે મેરિટ પરીક્ષા આપવી પડશે. આ મેરિટ પરીક્ષામાં મેળવેલા ગુણ ડીઆરસી માટે ધ્યાનમાં લેવામાં આવશે. મેરિટ પરીક્ષાના ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ https://phd.sauuni.ac.in/ ઉપર તારીખ 22 નવેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવામાં અગાઉ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વિદ્યાર્થીએ ક્યાં વર્ષમાં પાસ કરી હતી. તે પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દર્શાવવું પડશે.