સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રૂપારેલિયાનું રાજીનામું, ફરજમુક્તિની માગ પણ કૂલપતિએ ના પાડી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ હતી. રોજબરોજ નવા નવા વિવાદો સર્જાતા હતા. જેમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. રૂપારેલિયા પણ વિવાદના ઘેરામાં ફસાતા તેમણે દિવાળી પહેલા જ રજિસ્ટ્રારપદેથી રાજીનામું આપી દીધુ હતું અને હાલ પોતાને વહેલી તકે ફરજમુક્ત કરવાની માગ કરી રહ્યા છે પરંતુ કુલપતિએ ઘસીને ના પાડીને જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ રજિસ્ટ્રારને મુક્ત કરવામાં આવશે. એવું કહેતા રજિસ્ટ્રાર રૂપારેલિયા ફસાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજિસ્ટ્રાર પદેથી ડો. રૂપારેલિઆએ રાજીનામુ ધર્યા બાદ 22 નવેમ્બરથી છૂટકારો માગ્યો હતો. જોકે, કુલપતિએ જૂના વિવાદો પૂર્ણ થયા બાદ જવાની સલાહ આપી હતી. અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી રહેલા અધિકારીની ઇન્ટરવ્યૂના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ તરીકે પસંદગી થઈ હતી. જોકે, મ્યુનિ. કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તેમની નોકરી સળંગ ગણવામાં ન આવતા હવે તેઓ ફરી પોતાની જૂની જગ્યાએ જવા માગતા હોવાથી યુનિવર્સિટીમાંથી કાયમી રજિસ્ટ્રાર પદેથી રાજીનામું આપ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચ માસ પહેલા જ કાયમી કુલસચિવ તરીકે ડો. હરીશ રૂપારેલિઆએ ચાર્જ સંભાળ્યો હતો. તે વખતે કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી હતા. જે દરમિયાન વિવાદ વચ્ચે 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થઈ હતી. તે પછી ભાજપના સિન્ડિકેટ સભ્યોની ગેરહાજરી અને કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યની હાજરીમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની જગ્યા માટે ખાનગી રાહે ભરતી કરવામા આવી હતી. જોકે, તેમાં એજ્યુક્શન ભવનમાં કોંગ્રેસના સેનેટ સભ્યના બહેનની ખોટી રીતે પસંદગી થયાનો વિવાદ સર્જાતા રાજ્ય સરકારે સમગ્ર ભરતી અટકાવી દીધી હતી. સપ્ટેમ્બર માસની 27 અને 28 તારીખે થયેલા આ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામેલા ઉમેદવારોને બે માસ બાદ પણ નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા નથી. દરમિયાન ઇન્ચાર્જ કુલપતિ પદેથી ગિરીશ ભીમાણીને હટાવી દેવામાં આવ્યા બાદ ડૉ. નીલાંબરી દવેએ ચાર્જ સંભાળ્યો છે. ભીમાણી ગયા એટલે રૂપારેલીઆએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મુક્તિ માગી હતી. દિવાળી પહેલાં જ રૂપારેલીઆએ કાયૅકારી કુલપતિ સમક્ષ રાજીનામુ ધરી દીધું હતુ અને જાહેર કર્યુ હતું કે, કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોકરી સળંગ ન ગણાતા કોર્પોરેશનમાંથી સ્વૈચ્છિક રાજીનામુ લેવું પડે અને પછી પેન્શનર તરીકે અહીં ફરજ બજાવું તો પગારમાં 50 ટકાનો ઘટાડો થઈ જાય. ડો. રૂપારેલિઆએ કુલપતિને આપેલા રાજીનામામાં 22 નવેમ્બરથી મુક્તિ માંગી હતી. પરંતું કુલપતિએ જણાવ્યુ કે, જૂના પેન્ડિંગ ઇસ્યુ પૂર્ણ થાય તે બાદ કુલસચિવને મુક્ત કરવામા આવશે.