રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની મુદત તો ક્યારની પુર્ણ થઈ ગઈ છે.હવે સેનેટની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા છે. સેનેટની ચૂંટણી માટે ઘણા દાવેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોય એમ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલી ટીચિંગ સ્ટાફની વિગતો આગામી તારીખ 31 મે સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં હાલ વેકેશનનો માહોલ છે પરંતુ સેનેટની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી આગામી ઓગસ્ટ-2023 સુધીમાં પૂર્ણ કરી દેવા હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડૉ. ભીમાણી આવ્યા બાદ પણ નિર્ધારિત સમયમાં સેનેટની ચૂંટણી નહીં થતા આ મુદ્દે ન્યાયાલયના દરવાજા ખટખટાવાયા હતા. ત્રણ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યની સેનેટ સભ્ય તરીકે નિમણૂક કર્યા બાદ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાની પસંદગી કરવામાં આવી હતી. જોકે હજુ સરકાર નિયુક્ત 12 સેનેટ સભ્યો જાહેર કરવામાં આવ્યા નથી તેના પર સૌની મીટ મંડાઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના આચાર્યોને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોલેજોમાં ડીન/આચાર્ય/ પ્રોફેસર /એસોસિયેટ પ્રોફેસર/આસિસ્ટન્ટ પ્રોફેસર/લેક્ચરર/ટ્યૂટર/પી.ટી.આઈ./ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફની વિગતો વિષય નિષ્ણાત, પરીક્ષક, પેપરસેટર, ઓબ્ઝર્વર, મોડરેટર, સેનેટ ચૂંટણી વગેરે હેતુ સબબ આવશ્યક હોય વેબસાઈટ ઉપર આપેલા ફોર્મ મુજબ માહિતી તા.31 મે સુધીમાં એક્સેલ ફાઈલમાં અંગ્રેજી ભાષામાં માહિતી ભરી affiliation@sauuni.ac.in પર મોકલી આપવા જણાવ્યું છે. જે વિગતો મોકલવામાં આવે તેની સ્કેન કોપી પ્રાધ્યાપક, આચાર્યએ સહી કરીને સંસ્થાના ઓફિશિયલ ઈ-મેલ મારફત affiliation@sauuni.ac.in પર મોકલવાની રહેશે.