Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભગવત્ ગીતા, વેદિક ગણિત સહિત 10 સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કર્યા

Social Share

રાજકોટઃ ગુજરાતમાં શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ નોન કાઉન્સિલ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવતી સંલગ્ન કોલેજોમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમના બાસ્કેટમાં નવા 10 કોર્સ ઉમેર્યા છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારી રત્નો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ વ્યવસ્થાપન, સંસ્કાર પરંપરા, વેદિક ગણિત સહિત 10 નવા કોર્સનો સમાવેશ થાય છે. આ તમામ 10 વૈકલ્પિક વિષયોનો અભ્યાસનો સમયગાળો 30 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રત્યેક કોર્સ દીઠ 2 ક્રેડિટ મળશે. આ કોર્સમાં 50 માર્કની સિસ્ટમ રાખી છે જેમાંથી વિદ્યાર્થીએ પાસ થવા માટે 18 માર્ક મેળવવાના રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ 15 જૂનથી શિક્ષણકાર્યનો પ્રારંભ થઈ ગયો હતો. છેક અડધું સત્ર પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીએ નવા વૈકલ્પિક કોર્સ ઉમેર્યા છે. હવે વિદ્યાર્થીઓને મૂંઝવણ એ છે કે નવા કોર્સ ક્યારે ભણાવાશે, ક્યારે પૂરા થશે અને ક્યારે તૈયારી કરાશે કારણ કે એક મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હવે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લીડરશિપ, સાયબર સિક્યોરિટી, ફિલ્મ નિર્માણ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી, સ્ટ્રેસ મેનેજમેન્ટ, રેડિયો જોકી, વેબ ડિઝાઈન, બ્યુટીશિયન, મોબાઈલ રિપેરિંગ સહિતના કોર્સમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરીને ભણી શકશે. NEP પ્રમાણે વિદ્યાર્થીઓ હવે જુદા જુદા વૈકલ્પિક 180 જેટલા કોર્સમાં પોતાના મનગમતા વિષયની પસંદગી કરી શકે તેટલા વિકલ્પ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાના 10 નવા અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ​​​​​​શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડિયન આંતરપ્રેનિયોર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારીરત્નો, ભારતીય સંસ્કાર પરંપરા, ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ વ્યવસ્થાપન અને વેદિક મેથેમેટિક્સનો સમાવેશ થાય છે.