Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા માટે 20 લાખ ખાખી, એક લાખ બારકોડ સ્ટીકર ખરીદશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષ માટેની પરીક્ષાઓ માટે આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પરીક્ષા માટે 20 લાખ ખાખી સ્ટીકર અને એક લાખ વાઈટ બારકોડ સ્ટીકર ખરીદવાની દરખાસ્ત કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ માટે કુલ રૂપિયા 7 લાખ 75000 જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટે 20 લાખ ખાખી સ્ટીકર અને એક લાખ વાઈટ બારકોડ સ્ટીકર ખરીદવાની દરખાસ્ત  કુલપતિ ગીરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ માટે કુલ રૂપિયા 7 લાખ 75000 જેટલો ખર્ચ થવા જાય છે. પરીક્ષાઓના પ્રશ્નપત્ર દૈનિક વિતરણ તથા લખાયેલી ઉત્તરવહી પરત લાવવાની કામગીરી જુદી જુદી કોલેજો અને સંસ્થાઓને સોંપવામાં આવી છે. તેમને જુના દરે ટેક્ષી ભાડું ચૂકવવામાં આવે છે. તેમાં વધારો કરવાની દરખાસ્ત પણ ફાઇનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાવેરી ગર્લ્સ હોસ્ટેલ અને આંકડાશાસ્ત્ર ભવનમાં સીસીટીવી કેમેરા લગાડવા અને વાઇફાઇ કનેક્ટિવિટી આપવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવી હતી અને જુદી જુદી પાર્ટીઓ દ્વારા આ માટે જે ભાવ આવ્યા છે તે રજૂ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ચાલુ વર્ષે 10 લાખ માર્કશીટ છપાવી પડશે અને તે માટે 18 લાખ રૂપિયાના ખર્ચની દરખાસ્ત ફાઇનાન્સ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન યોજવામાં આવી હતી અને તે માટે કુલ 464 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાનગી કંપનીને આ કામ સોંપવામાં આવ્યું હતું અને તેની પાછળ કુલ રૂપિયા 1,62,400 નો ખર્ચ કરવામાં આવ્યો હતો તે વિગત પણ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.