રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા. 20મી જાન્યુઆરી-2023ના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનારા 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ અપાશે જેમાં સૌથી વધુ મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 20મી જાન્યુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન કરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. અને પદવીદાન સમારોહમાં 43,062 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. તેમજ સૌથી વધુ ગુણ મેળવનારા 126 વિદ્યાર્થીઓને 147 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. દાતાના દાનમાંથી 152 વિદ્યાર્થીને રૂ.1500નો રોકડ પુરસ્કાર અપાશે. 14 વિદ્યાશાખાના જે વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહમાં રૂબરૂ પદવી સ્વીકારવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી કરવી પડશે જે તારીખ 21મી ડિસેમ્બરથી યુનિવર્સિટીની વેબસાઈટ https://degree.saurashtrauniversity.edu પર કરી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સામાન્ય ફાઈલમાં પદવી અને અન્ય સર્ટિફિકેટ આપવામાં આપતા હોય છે પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિશેષ અને આકર્ષક વૂડનના બોક્સ બનાવવામાં આવ્યા છે તેમાં જે 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ મળવાના છે તેને આ વિશેષ વૂડન બોક્સમાં ડિગ્રી અપાશે. જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે જેમાં વિનિયન શાખાના 12,159 વિદ્યાર્થીઓ, શિક્ષણ વિદ્યાશાખાના 4043, વિજ્ઞાન વિદ્યાશાખાના 6733, ઈજનેરી વિદ્યાશાખાના -2, કાયદા વિદ્યાશાખાના 1879, તબીબી વિદ્યાશાખાના 1754, વાણિજ્ય વિદ્યાશાખાના 13,995, બીઝનેશ મેનેજમેન્ટ શાખાના 1863, મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 43062 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે.