રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 51મો યુવક મહોત્સવ કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આગામી તા.11મીથી બે દિવસીય યોજાશે. આ અભિવ્યક્તિ યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધામાં પોતાની પ્રતિભા ખીલવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને અનુસ્નાતક ભવનોના 860 વિધાર્થીઓ ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11 અને 12 માર્ચના રોજ 51માં અભિવ્યક્તિ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અઢી લાખનો ખર્ચ તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. માર્ચ માસના અંતમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આવી રહી છે. ત્યારે આ સમયે યુવક મહોત્સવના આયોજન સામે વિરોધ પણ ઊભો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક કળા ખીલે તે માટે દર વર્ષે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે આ આયોજન દર વર્ષે વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા પહેલા થાય છે. પરંતુ આ વર્ષે એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ યોજી રહી છે અને આ યુવક મહોત્સવ પણ પદવીદાન સમારંભના બીજા દિવસથી યોજાઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2022-23માં યોજાયેલા અમૃત કલા મહોત્સવમાં 34 સ્પર્ધામાં 1,350 વિદ્યાર્થી કલાકારોએ ભાગ લીધો હતો. તે વખતે 26 સપ્ટેમ્બર, 2022ના યુવક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે આ વર્ષે વર્ષ 2023-24નો યુવક મહોત્સવ ઓકટોબર-નવેમ્બરમાં યોજવાને બદલે મોડે મોડેથી એટલે કે તા. 11 અને 12 માર્ચના યોજાઈ રહયો છે. જેમાં 63 કોલેજના માત્ર 860 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં સાહિત્ય વિભાગની 5 સ્પર્ધામાં 251 વિદ્યાર્થીઓ, કલા વિભાગની 9 સ્પર્ધામાં 210 વિદ્યાર્થીઓ તો સાંસ્કૃતિક વિભાગની 19 સ્પર્ધામાં 637 વિદ્યાર્થી કલાકારો ભાગ લઈ રહ્યા છે.