Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્રની 100 કરોડની ગ્રાન્ટ મળશે, રૂપિયા ક્યાં વાપરવા તેનું પ્લાનિંગ કરાયું

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પીએમ ઉચ્ચશિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 100 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિના સત્તાધિશોએ આ ગ્રાન્ટનો ક્યા અને કેવી રીતે ઉપયોગ કરવા તેનો પ્લાન રજુ કરી દેવામાં આવ્યો છે. જેમાં 27 કરોડના ખર્ચે 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, 5.80 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ, 26 ભવનોનું 22 કરોડના ખર્ચે રીનોવેશન, સંશોધન અને લેબોરેટરીના સાધનો માટે રૂ.49 કરોડ તો સોફ્ટ કમ્પોનન્ટમાં વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને અધ્યાપકોને તાલીમ આપી મોડર્ન ટેક્નોલોજી સાથે જોડવાનું આયોજન છે.

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની 26 વિશ્વ વિદ્યાલયને PM USHA એટ્લે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ મળશે.  આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, PM-USHA અંતર્ગત રૂ. 100 કરોડની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળશે. જે ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કયા કયા પ્રકારના સંશોધનના સાધનોની જરૂર પડવાની છે તેનો સમાવેશ થયો છે. જેમાં રીસર્ચ સહિતનાં સાધનો માટે રૂ.50 કરોડની ગ્રાન્ટ ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. જ્યારે અન્ય રૂ. 50 કરોડમાંથી બાંધકામના કામો કરવામાં આવશે. આ ઉપરાંત સોફ્ટ કમ્પોનન્ટ કે જેમાં રિસર્ચ માટે હ્યુમન રિસોર્સની જરૂર પડશે તે માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જે માટેનુ પ્લાનિંગ રજૂ કરી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ યુજીસીની બેઠક હતી. જેમાં અન્ય યુનિવર્સિટી સાથે પરામર્શ કરવાનું બાકી છે. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત દેશની 26 વિશ્વ વિદ્યાલયને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ અભિયાન હેઠળ દેશભરની 26 યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. જેમાંની એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. જેમાં 100 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કઈ રીતે કરશે તેનું પ્લાનિંગ UGC સમક્ષ રજુ કરી દેવામાં આવ્યું છે. જેમાં રૂ. 27 કરોડનાં ખર્ચે 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. જેમાં વિજ્ઞાનના ભવનોનો લેબ સાથે સમાવેશ થશે. જ્યાં નવા ક્લાસરૂમ અને સાધનો હશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ બનાવવાની પણ પ્રપોઝલ મૂકવામાં આવી છે. જે માટે રૂ. 5.80 કરોડનો ખર્ચ થશે. જેથી ભવનોમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સંશોધન કરે છે તેમને માર્ગદર્શન માટે બહારથી કોઈ એક્સપર્ટ આવે તો તેમને સારી સુવિધા આપી શકાય તે માટેનું આયોજન છે. હાલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ થઈ ગયા છે એટલે કોઈ વિષયના નિષ્ણાંત અહીં ન હોય તો તે માટેની મદદ અન્ય યુનિવર્સિટી પાસેથી લેવી પડે છે. જેથી બહારના એક્સપર્ટ અહીં આવે અને તેમનું માર્ગદર્શન અહીંના વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને અધ્યાપકોને મળે તેવું પ્લાનિંગ છે. એટ્લે કે રૂ. 27 કરોડ જેટલું નવું બાંધકામ કરવા માટેનું આયોજન છે.  આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ભવનો છે કે જ્યાં રિસર્ચમાં ખૂબ જ સારું કામ થાય છે. જેમાં ઓફિસ ઓટોમેશન એટલે કે, શિક્ષણની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું આયોજન છે. જેના માટે શૈક્ષણિક સાધનોની ખરીદી કરવા માટે રૂ. 49 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સંશોધનના જુદા જુદા સાધનોની ખરીદી કરવામાં આવશે. જેથી કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓ તેમજ રિસર્ચ સ્કોલર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કરી શકશે.