સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાશે
રાજકોટઃ 2016 અને 2019 માં લેવાયેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા જૂના કોર્ષના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ત્રણ ઓગસ્ટથી ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જુના કોર્સના 20458 વિદ્યાર્થીઓ થાય છે. સાથોસાથ તારીખ 5 થી તારીખ 10 ઓગસ્ટ સુધી બી.એડ સેમેસ્ટર 2 ની પરીક્ષા ચાર દિવસ માટે લેવામાં આવશે અને તેમાં 4115 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જુના કોર્ષના આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, હોમ સાયન્સ, લો, રૂરલ સ્ટડીઝ, પર્ફોર્મિંગ આર્ટ્સ, સાયન્સ અને એજયુકેશન ફેકલ્ટીઓની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. 35 પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા લેવાશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે 30 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 3જી ઓગસ્ટથી રેમેડીયલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, અને જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી જે તે કોલેજના સંચાલકોને પોતાના પરીક્ષા કેન્દ્રમાં અન્ય પરીક્ષાઓ ન રાખવા માટે અને પરીક્ષા કેન્દ્ર ખાલી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2016 અને 2019માં નાપાસ થયેલા જુના કોર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તક આપવામાં આવી છે. જુના કોર્ષના નાપાસ થયેલા વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષા લેવા છેલ્લા ઘણા સમયથી માગ ઊઠી હતી. આખરે યુનિ.ના સત્તાધિશોએ જુના કોર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જુના કોર્ષના આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, હોમ સાયન્સ, લો, રૂરલ સ્ટડીઝ, પર્ફોર્મિંગ આર્ટ્સ, સાયન્સ અને એજયુકેશન ફેકલ્ટીઓની પરીક્ષા 304 ઓગસ્ટથી લેવામાં આવશે. યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.