Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 12 ડિસેમ્બરથી સેમેસ્ટર 1ની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી ડિસેમ્બરથી આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓના સેમેસ્ટાર-1ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જો કે, એલએલબી અને એલ એલએલએમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અગાઉની જેમ પેપેર લિક ન થાય તે માટે  જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી સજજ હશે. જ્યાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરે તે માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં સ્થિત CCTV કંટ્રોલરૂમમાંથી દરેક પરીક્ષા કેન્દ્રો પર ચાલતી પરીક્ષાનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવશે. જેથી પરીક્ષામાં ચોરી ક્યાંય થતી હોય તો તે પકડાઈ જશે અને ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 ડિસેમ્બરથી સેમેસ્ટર 1ના 24,908 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો. જોકે, છેલ્લી ઘડીએ LLB અને LLM સેમેસ્ટર 1ની પરીક્ષા મોકૂફ રખાતા હવે સેમેસ્ટર 1ના 24,771 વિદ્યાર્થીઓની પરીક્ષા 12મી ડિસેમ્બરથી લેવાશે. કોર્સ પૂર્ણ ન થતાં તેમજ કેટલીક કોલેજોને LLMની માન્યતા મોડી મળી હોવાથી પરીક્ષા પાછી ઠેલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 12 ડિસેમ્બરથી આર્ટ્સ, મેનેજમેન્ટ, કોમર્સ, એજ્યુકેશન, હોમસાયન્સ, લો, પરફોર્મિંગ આર્ટ્સ, રૂરલ સ્ટડી અને સાયન્સ એમ કૂલ 9 ફેકલ્ટીના 24,771 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેમાં સેમેસ્ટર 1માં BA રેગ્યુલર અને એક્સટર્નલ, B.A.I.Dમાં, B.J.M.C, B.LIB, B.S.W, M.A રેગ્યુલર અને એક્સટર્નલ, M.J.M.C, M.S.W, BBA, B.Com રેગ્યુલર અને એક્સટર્નલ, BA B.Ed, B.Ed સેક્ન્ડ યર, M.Ed, BSC (HS), MSC (HS), BA, BPA, BRS, BCA, BSC IT, BSC MSC, એપ્લાયડ ફિઝિક્સ, PGDCA, MSC (All), MSC (IT&CA) અને BDSમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે, છેલ્લી ઘડીએ LLB સેમેસ્ટર 1ના 130, LLMમાં 4 અને LLM HR સેમેસ્ટર 1માં 3 વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે.

આ અંગે પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતા લોના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની સંખ્યા આવી ગઈ હોવાથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, નવી કોલેજોને LLMની માન્યતા મળી હોવાનો પત્ર આવતા તેમજ કોર્સ પણ પૂર્ણ ન થયો હોવાથી આ પરીક્ષા હાલ મોકૂફ રખાઈ છે. જે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં લેવાશે.