Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BAPSએ તૈયાર કરેલો ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ વિદ્યાર્થીઓને ભણાવશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન  વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ગ્રામવિદ્યા, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને પરફોર્મિંગ આર્ટસ સહિતની વિદ્યાશાખાઓમાં ચાલુ વર્ષથી જ બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલો નવો કોર્સ ‘ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ’ (IPDC) તમામ ભવનોમાં ભણાવવામાં આવશે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ કોર્સ ભણાવવાનું શરૂ કરી દેવાશે. બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરેલા આ કોર્સને એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરાયો છે. 15 સપ્તાહનો આ કોર્સ રહેશે અને રોજના બે કલાક વિદ્યાર્થીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગેની તાલીમ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ગ્રામવિદ્યા, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને પરફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમો ધરાવતી કોલેજોના આચાર્યોને પણ આ નવા કોર્સ અંગે પરિપત્ર કરીને જણાવી દેવાયું છે કે, BAPS સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલો ‘ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ’ (IPDC)ને NEP – 2020ને ધ્યાને લઈને ફાઉન્ડેશન, સોફ્ટ સ્કિલ, વેલ્યૂ એજ્યુકેશનના ભાગરૂપે જે તે વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અંતર્ગત પ્રથમ બે સત્રમાં ક્રમશ: અમલમાં આવે તે બાબતને ધ્યાને લઇ કોર્સ ભણાવાશે.જેમાં એક સત્ર દીઠ એક અઠવાડિયાની બે કલાક એમ કુલ 15 અઠવાડિયાની 30 કલાકને ધ્યાને લઇ એવા કુલ બે સત્રમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી અમલમાં આવે તે રીતે એકેડેમિક કાઉન્સિલ તથા સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ ઉપરાંત મૂલ્યનિષ્ઠ શિક્ષણ પણ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે તબક્કાવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દરેક ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસક્રમ ઘડવામાં આવશે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા તૈયાર કરેલા IPDC કોર્સથી વિદ્યાર્થીઓને જીવનમૂલ્યોના પાઠ પણ ભણવા મળશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ’ની કોલેજો અને યુનિવર્સિટીના ભવનોમાં અમલીકરણ માટે આગામી તારીખ 29 ઓગસ્ટને સોમવારે સવારે 11.30 કલાકે કુલપતિના અધ્યક્ષ સ્થાને એક વર્કશોપ કમ ટ્રેનિંગનું આયોજન કરાયું છે જેમાં યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા તમામ નોડલ ઓફિસરોએ ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે. આ વર્કશોપમાં BAPSના વક્તા અપૂર્વમુનિ સ્વામી ‘ધી હાર્ટ ઓફ એજ્યુકેશન’ વિશે અને જ્ઞાનવિજય સ્વામી અને IPDC ટીમ કોર્સ સંબંધિત માર્ગદર્શન આપશે. ટ્રેનિંગ કાર્યક્રમ યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાશે તેના માટે 25મી સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.