કોરોનાના કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય,પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે
- કોરોનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય
- પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે
- શિક્ષણમંત્રી અને રાજ્યપાલ રહેશે ઉપસ્થિત
રાજકોટ:કોરોનાને કારણે મોટાભાગના કામ અત્યારે ઓનલાઈન થવા લાગ્યા છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણી સહીત નાની ઉપસ્થિતિમાં માત્ર ગોલ્ડ મેડાલીસ્ટસને રૂબરૂ બોલાવી મેડલ પહેરાવી નવાજવામાં આવશે. જયારે બાકીના વિદ્યાર્થીઓને ઘરે ડીગ્રી પહોંચાડવામાં આવશે.
જાણકારી અનુસાર 13 ફેકલ્ટીમાં 37123 ને ડીગ્રી આપવામાં આવશે. જેમાં તબીબી વિદ્યાશાખામાં 1552, બિઝનેસ મેનેજમેન્ટમાં 1838, વાણીજ્યમાં 11156 સહિતના અન્ય લોકોને પદવી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોના મહામારી ધ્યાનમાં રાખી પદવીદાન સમારોહ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો અને માત્ર ગોલ્ડ મેડાલીસ્ટને જ રૂબરૂ બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જો કે સરકાર દ્વારા તે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે જેનાથી લોકો સંક્રમિત થતા બચી શકે. સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકોને વેક્સિન પણ આપવામાં આવી છે જેને ક્યાંક મહદ અંશે તો લોકોને રાહત છે.