Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 20 કરોડના ખર્ચે બનેલા સંશોધન કેન્દ્રને લાગ્યા તાળાં, વિદ્યાર્થીઓને મુશ્કેલી

Social Share

રાજકોટઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓને યુજીસી સહિત વિવિધ ગ્રાન્ટ મળતી હોય છે. ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી કામો કરવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન માટે ઉપયોગી બને તે માટે રૂ.20 કરોડનાં ખર્ચે NFDD હોલનું વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનાં તત્કાલિન પ્રોફેસર ડો. અનામિક શાહના પ્રયાસોથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1.50 કરોડનું NMR સહિતના મશીનો હતા. તેથી વિદ્યાર્થીઓ અને સંશોધકો સંશોધન કરતા હતા અને લેબ ટેસ્ટ પણ થતાં હતા. જોકે, યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે હાલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતા NFDD હોલને તાળાં લાગી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2011માં કેમેસ્ટ્રી ભવનનાં તત્કાલીન પ્રોફેસર ડૉ. અનામિક શાહના પ્રયાસોથી NFDD (નેશનલ ફેસિલિટી ફોર ડ્રગ ડેવલપમેન્ટ) હોલની ભેટ મળી હતી. જ્યાં રૂ.1.50 કરોડનું NMR (ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ) મશીન લાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત લાખો અને કરોડોની કિંમતના મશીન રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરતા હતા. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને લીધે આ NFDD હોલનું સંચાલન યોગ્ય રીતે ન થતા રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની બંધ થતાં વર્ષ 2018થી વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઉપયોગી NFDD  હોલને અલીગઢી તાળાં લાગી ગયા છે. હાલ આ હોલમાં પડેલા કરોડોના ખર્ચે વસાવવામાં આવેલા NMR સહિતનાં મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવના કહેવા મુજબ  દોઢ કરોડના NMR મશીન બંધ હાલતમાં છે. અને તેનો રિપેરિંગનો ખર્ચ અઢી કરોડ જેટલો થાય તેમ છે. આ ઉપરાંત અન્ય મશીનોની આવરદા 10 વર્ષથી વધુ સમય થઈ ગઈ હોવાથી હવે આ મશીનોનો ઉપયોગ થઈ શકે તેમ નથી. જેથી NFDD હોલ હાલ બંધ હાલતમાં છે. NFDD હોલમાં વર્ષ 2018માં આગ ભભૂકી ઉઠતાં રૂ. 15 લાખનું નુકશાન પહોચ્યું હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે,  NFDD હોલમાં એક સમયે 500 સંશોધકો સંશોધન કરતા હતા. હવે આ જગ્યા મ્યુઝિયમ સ્વરૂપ બની ગઈ છે અને તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર છે. અહીં કેમેસ્ટ્રી વિષય સાથે એમ.એસ.સી. અને પી.એચ.ડી. કરતાં વિદ્યાર્થીઓ સહિતના સંશોધન કરતા હતા. તેનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રોશન થતું હતું. હાલ આ NFDD હોલ ખંઢેર હાલતમાં બનતા સંશોધકો અને શિક્ષણવિદો ભારે નારાજગી અનુભવી રહ્યા છે.