રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનું ધીમા પગલે જોર વધી રહ્યું છે. જોકે શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેડી વધુ અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી લધુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગિરનારમાં તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પશુ-પક્ષીઓનો કલરવ શાંત થવા લાગ્યો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. રાજકોટમાં તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ સ્થિર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દી’થી ઠંડીમાં અવિરત વધારો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢમાં તાપમાનનો પારો 11.8 ડિગ્રીએ પહોંચતા લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ગિરનાર પર્વત ઉપર તાપમાન 6.8 ડિગ્રીએ પહોંચતા પર્વતમાળામાં ઠંડાગાર છવાઈ ગયો છે. પ્રવાસીઓ થંભી ગયા છે. જનજીવન શિયાળાને અનુભવવા લાગ્યા છે. તાપણાં તથા ગરમ વત્રોની ધૂળ ખંખેરવાની ફરજ પડી રહી છે.
સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધુ 12 ડિગ્રી ઠંડી કેશોદમાં અનુભવાઈ હતી જ્યારે 12.3 ડિગ્રી ઠંડી મહુવામાં અનુભવાઈ હતી. દરિયાકાંઠાના પોરબંદરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 15-15 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે.
કચ્છમાં સવાર અને રાત ઠરે છે, પરંતુ દિવસ દરમ્યાન માગસર મહિનામાં હોય તેવી ઠારની ધાર હજુ તીક્ષ્ણ બની નથી. કચ્છના પરંપરાગત શીતમથક નલિયામાં પારો ઊંચકાયો છે. જો કે, તેમ છતાં 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું. ખાવડામાં 12 અને રાપરમાં 13 ડિગ્રી સાથે રણકાંધીના સરહદી તેમજ વાગડ પંથકના ગામડાઓ વહેલી સવાર અને મોડીરાત્રે ઠારમાં ઠર્યા હતા. જિલ્લામથક ભુજમાં 14.2 ડિગ્રી સાથે કલાકના ચાર કિ.મી.ની ગતિવાળા ઓતરાદા પવનોએ સાંજ ઢળ્યા પછી ટાઢોડું સર્જ્યું હતું. રાત્રે ઠંડક વધતી હોવાથી ગામડાઓના ચોક, શેરીઓમાં, લોકો તાપણા કરતા જોવા મળ્યા હતા.