Site icon Revoi.in

સહકારી સંસ્થાઓમાં સૌરાષ્ટ્રનો દબદબો, ઈફ્કો બાદ નાફેડમાં પણ મોહન કુંડારિયા બન્યા બિનહરિફ

Social Share

રાજકોટઃ દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. ઈફ્કોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બીનહરિફ અને જયેશ રાદડિયા ડિરેક્ટર કરીકે ચૂંટાયા બાદ નાફેડમાં પણ મોહન કંડારિયા બિન ચૂંટાયા છે. આમ તો ભાજપના પાંચ નેતાઓ વચ્ચે સ્પર્ધા થવાની હતી. ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ ન છેડાયો હતો. નાફેડની એક બેઠક માટે ભાજપ સાથે જ સંકળાયેલા મોહન કુંડારિયા સહિત 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે, નાફેડમાં ઇફ્કોવાળી ન થાય તે માટે ભાજપે આબરૂ બચાવી લીધી છે. ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. ઇફ્કોમાં ભાજપે આપેલા મેન્ડેટથી વિવાદ સર્જાતા નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જ આપવામાં આવ્યો નહોતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ.21,414 કરોડનું ટર્નઓવર અને રૂ.264 કરોડના નેટપ્રોફિટ કરનારી દેશની અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ની આગામી તા.21.05.2024ના રોજ ખાસ સાધારણ સભા યોજાશે. આ પહેલાં ચૂંટણી માટે ભાજપના  5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા,  ઉમેદવારી ફોર્મ ચકાસણીનો છેલ્લો કરવાનો દિવસ હતો અને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લા દિવસે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરાવવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના ચાર ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં કુંડારિયા બિન હરિફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 210  છે જે પૈકી બહુમત મતદારો રાજકોટ જિલ્લાના છે. માટે જો ચૂંટણી થાય તો પણ મોહન કુંડારિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેવામાં ચૂંટણી થાય અને ફરી ભાજપ સામે ભાજપના ઉમેદવારો મેદાનમાં આવે તો ઇફ્કો જેવી સ્થિતિનું નિર્માણ થાય અને વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીથી ભાજપમાં નવો વિવાદ શરૂ ન થાય માટે સહકારી આગેવાનો બધાને સમજાવી ફોર્મ પરત ખેંચાવી મોહન કુંડારિયાને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.