રાજકોટ : કોરોના કાળમાં મુશ્કેલીમાં મુકાયેલો ફાઉન્ડ્રી ઉદ્યોગ ફરી ધમધમતો થયો ત્યાં જ કાસ્ટ આયર્ન અને કોલનાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને લીધે ફાઉન્ડ્રી ઉદ્યોગ મરણપથારીએ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં નાની મોટી થઇને આશરે 1400 કરતા વધારે ફાઉન્ડ્રીઓ કાર્યરત છે પણ ઉત્પાદન અતિશય મોંઘું બની ગયું હોવાથી પચાસ ટકા એકમોમાં ઉત્પાદન બંધ કરી દેવું પડે સ્થિતિ ઊભી થઈ છે. અત્યારે બજારમાં માગ ખૂબ સારી છે પણ કાચો માલ મોંઘો છે, એટલે મોટી ફાઉન્ડ્રીઓ ચાલે છે પણ નાની ફાઉન્ડ્રીઓ ઉત્પાદન હળવા કરી રહી છે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ફાઉન્ડ્રીઓની સંખ્યા આશરે 500 જેટલી છે. બીજી 700-800 જેટલી સૌરાષ્ટ્રના વિવિધ ગામો-શહેરોમાં હશે. નાની ફાઉન્ડ્રીઓને અત્યારે ઉત્પાદન કરવાનું પોસાય તેવું રહ્યું નથી એટલે ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. ફાઉન્ડ્રીઓમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા વિસ્તારના મજૂરો કામકાજ કરતા હોય છે. ત્યાંના મજૂરો દિવાળી ઉપર વતન ગયા પછી તેમને પરત બોલાવવામાં આવ્યા નથી. ફાઉન્ડ્રીઓ ખર્ચ ઘટાડાના પગલાં આ રીતે લેવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં કાસ્ટ આયર્ન અને કોલસાનો ઉપયોગ મહત્તમ કરવામાં આવે છે. કાસ્ટ આયર્નનો ભાવ છ માસ પૂર્વે રૂ. 28 પ્રતિ કિલો હતો તે અત્યારે રૂ. 50 થઇ ગયો છે. જ્યારે કોલસાની વૈશ્વિક અછતને લીધે રૂ. 26વાળો ભાવ રૂ. 54 થઇ ગયો છે એટલે ઉત્પાદન પોસાય તેવું રહ્યું નથી. સ્ટીલ, પીગ આયર્ન અને એલ્યુમિનીયમ જેવી ધાતુઓની મોંઘવારી પણ ઉત્પાદનમાં નડી રહી છે છતાં અત્યારે જે ફાઉન્ડ્રીઓ પાસે ઓર્ડર બુક સારી છે તેમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં હવે ઇન્ડક્શન વડે લગભગ 40-50 ટકા ફાઉન્ડ્રીઓ ચાલવા લાગી છે. ત્યાં કોલસાનો ભાવવધારો બહુ નડતો નથી છતાં અન્ય કાચો માલ પડતર ઉંચકાવી દે છે. છ મહિનાથી કાચા માલમાં સતત વધારો થઇ રહ્યો હતો પણ અત્યારે સ્થિરતા આવી છે, છતાં વારંવાર થયેલા ભાવવધારાને લીધે તૈયાર માલના ભાવમાં ઉત્પાદકો ઝાઝો ભાવવધારો માગી શકતા નથી. ભૂતકાળમાં પીગઆયર્ન સહિતના કાચા માલની અછત વખતે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન દ્વારા નહી નફો નહીં નુક્સાનના ધોરણે ફાઉન્ડ્રીઓને કાચો માલ પૂરો પાડયો હતો. છેલ્લાં એકાદ વર્ષથી ફરી નાના યુનિટોને કાસ્ટ આયર્ન ખરીદીને એસોસિયેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે. સરકારે ઉત્પાદનમાં વપરાતા કાચા માલના આયાતકર નાબૂદ કરીને ઉદ્યોગને રાહત આપવી જોઇએ. મોટાભાગની કાચી સામગ્રી આયાત થતી હોય છે એટલે મુશ્કેલી પડી રહી છે. એ ઉપરાંત ફેરો એલોય અને વિવિધ રસાયણોના ઉત્પાદનને પણ ઘરઆંગણે પ્રોત્સાહન આપવાની જરૂર છે. કાચા માલનો ભાવવધારો ફક્ત ભારત જ નહીં ચીન, કોરિયા, જપાન, તાઇવાન, વિયેટનામ અને મલેશિયા જેવા દેશોમાં આવેલી ફાઉન્ડ્રીઓને પણ નડી રહ્યો છે.