Site icon Revoi.in

સૌરાષ્ટ્રના લોકમેળા વરસાદે ધોઈ નાંખ્યા, રાજકોટનો લોક મેળો અંતે રદ કરાયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમના ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. આ વખતે વરસાદ મેળામાં વિધ્નરૂપી બન્યો છે. વરસાદે મેળાની મોજ બગાડી નાંખી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આ વખતે વરસાદને લીધે શહેરીજનોની મજા પર પાણીમાં ફેરવાઇ ગયુ છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસતા રાજકોટના લોકમેળામાં કાગડા ઉડી રહ્યા છે અને માત્ર એકલ દોકલ લોકો મેળામાં નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકમેળામાં ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે વરસાદના કારણે લોકમેળો ફીકો બની ગયો છે. લોકમેળાના મેદાનમાં એકથી બે ફૂટ જેટલા પાણી ભરાય ગયા છે. દરમિયાન આજે બપોર બાદ મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. અને વેપારીઓએ ભરેલી રકમ પરત અપાશે.

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત કડક નિયમોને કારણે રાઇડસ વિનાનો મેળો શરૂ થયો અને બાદમા સતત 2 દિવસ સુધી વરસાદને લીધે મેળો ધોવાઈ ગયો અને વેપારીઓને લાખોની નુકશાની ભોગવવાનો સમય આવ્યો છે. દરમિયાન મોટી 31 રાઈડસ હજૂ શરૂ થઈ શકી નહતી.

રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે તથા સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે માત્ર રાજકોટનો મેળો જ નહી પણ વઢવાણ, જામનગર સહિત અનેક નાના-મોટા મેળાઓને ભારે અસર થઈ છે. લાખો રૂપિયાના ભાડે વેપારીઓએ સારો ધંધો થશે તેમ માનીને સ્ટોલ ભાડે લીધા હતા. હવે વેપાર જ ન થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટના લોકમેળામાં સાતમ અને આઠમના તહેવાર દરમિયાન સવારથી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી હૈયે હૈયું દળાઇ તે રીતે 5 લાખથી વધુ લોકો ઉમટી પડતા હોય છે. મેળામાં દર વર્ષે બાળકોની ચિચિયારી, અવનવા ગીતો તેમજ પરિવારજનો અને મિત્રો સાથે આંનદ અને ઉલ્લાસના દ્રશ્યો નજરે પડતા હોય છે. પરંતુ આ વખતે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટના લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

#RajkotFairCancelled #HeavyRainImpact #SaurashtraFestivals #JanmashtamiFair #VendorLosses #FairGroundFlooded #RajkotRainEffect #EventCancellation #RainySeasonChallenges #VendorCompensation #LocalFestivalsAffected #RajkotEventUpdate #FairRefunds #FestivalFlooding #SaurashtraWeather #FairImpact #VendorSupport #RainyDaysInRajkot #Janmashtami2024 #FairGroundsFlooded