Site icon Revoi.in

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયા,કપાસ અને મગફળીની સૌથી વધુ આવક

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાવવા લાગ્યા છે. જેમાં કપાસ અને મગફળીના પાકની સૌથી વધુ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારાં ભાવ મળી રહ્યા છે. ભાવમાં માલની વધુ આવકથી ઘટાડો તો નહી થાયને એવી દહેશતના લીધે ખેડુતો પોતાનો માલ વેચવા માટે ઉતાવળા થયા છે

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની આવક 3 લાખ ગુણી અને કપાસની આવક આશરે અઢી લાખ મણ કરતા વધી ગઇ હતી. પુરવઠા દબાણને લીધે મગફળીના ભાવ મણે રૂ. 10-20 જેટલા ઘટી જતા ગોંડલમાં ઝીણીનો ભાવ રૂ. 940-1311 અને જાડીનો ભાવ રૂ. 850-1326 રહ્યો હતો. રાજકોટમાં ઝીણી રૂ. 1070-1290 અને જાડી રૂ. 1050-1325માં વેચાઇ હતી. કપાસના ભાવ પાછલા સપ્તાહે મણે રૂ. 50-60 વધી ગયા હતા. જોકે સોમવારની આવકમાં સુધારો અર્ધો ધોવાઇ ગયો હતો. ખૂલતા સપ્તાહે માર્કેટ યાર્ડોમાં કપાસ રૂ. 25-30 જેટલા નીચાં ભાવમાં રૂ. 1450-1870ના ભાવથી ખપ્યો હતો. મગફળીમાં તેલ મિલો અને કપાસમાં જિનીંગ ઉદ્યોગની ઘરાકી સારી જોવા મળી હતી.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજકોટ માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની એક જ દિવસમાં 1.35 લાખ ગુણીની આવક થવા પામી હતી. રાજકોટ યાર્ડમાં છેલ્લે 31 ઓક્ટોબરના દિવસે આવક થઇ હતી. એ પછી ફરીથી આવક કરવામાં આવી હતી અને ચારેકોર મગફળીના ઢગલાં થઇ ગયા હતા. યાર્ડમાં નાના મોટાં 1800 જેટલા વાહનો આવતા યાર્ડ નજીકના હાઇવે ઉપર ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે  હવે ફરી નવી આવક બંધ કરવી પડી છે. જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં આવકો હાલ બંધ છે અને પડતરમાંથી રોજ 30-35 હજાર ગુણીના કામકાજ થાય છે. છેલ્લે ગોંડલમાં એક લાખ ગુણીની આવક થઇ હતી. હવે બે દિવસમાં આવક શરૂ કરાશે. ગોંડલમાં તેલ મિલોની સંખ્યા વધારે છે અને હાલ તેલ મિલો પૂરજોશમાં ચાલવા લાગી હોવાથી ખપત વધી છે. એના પ્રમાણમાં દાણાવાળાની ખરીદી ધીમી છે. ગોંડલ યાર્ડમાં સરેરાશ રૂ. 850-1825 સુધીના ભાવ ચાલે છે. બીજી તરફ જામનગર યાર્ડમાં પણ આવકો ચિક્કાર રહે છે. છેલ્લે 35 હજાર ગુણી આવી થતા ચાર દિવસ આવક બંધ કરવી પડી હતી. હાપા યાર્ડમાં આવક વધી છે ત્યાં રૂ. 1000-1900ના ભાવ ચાલે છે.’ સાવરકુંડલા, હળવદ, જામજોધપુર, જેતપુર, અમરેલી, જસદણ અને મહુવા જેવા સેન્ટરોમાં પણ રોજ 10 હજાર ગુણી કરતા વધારે આવક થાય છે.
મગફળીની માફક કપાસમાં પણ આવકો ચિક્કાર છે. સોમવારે હળવદ, બાબરા, વાંકાનેર, જસદણ, રાજકોટ, ગોંડલ, બોટાદ, અમરેલી, બગસરા વગેરે સેન્ટરોમાં હોબેશ 2.60 લાખ મણની આવક રહી હતી. બોટાદ યાર્ડમાં 54 હજાર મણની નોંધપાત્ર આવક હતી.
આ ઉપારાંત જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવા સોયાબીનના વિક્રમી ભાવથી સોદા થયા હતા. યાર્ડમાં સોમવારે હરાજી આરંભાતા મણે રૂ. 1458ના ભાવ પડયા હતા. જે રાજ્યના તમામ માર્કેટ યાર્ડોમાં સૌથી ઉંચા રહેતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ હતી. જૂનાગઢમાં મગફળી અને સોયાબીનની આવકો મુખ્યત્વે થાય છે. સોયાબીનનો ભાવ મગફળી કરતા ઉંચો બોલાતા ખેડૂતોમાં રાજીપો છવાયો હતો. સોયાબીનની આવક જૂનાગઢ યાર્ડમાં 8100 ક્વિન્ટલની થઇ હતી. સરેરાશ ભાવ રૂ. 1140 હતા. જોકે સારો માલ આવતા રૂ. 1458 સુધી પણ તેના વેપાર થયા હતા.