વીર સાવરકર મામલે રાહુલ ગાંધીના નિવેદન મામલે સાવરકરજીના પૌત્રએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ સુરતમાં માનહાનીના કેસમાં અદાલતે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, સાવરકર નથી કે માફી માંગુ, ગાંધી છું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. દરમિયાન સાવરકરજીના પૌત્ર રણજીત સાવરકરએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ રાહુલ ગાંધીને ચેલેન્જ આપી હતી કે, સાવરકરજીએ માફી માંગી હતી તેના પુરાવા આપે.
હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાવરકરે કહ્યું કે, રાહુલ ગાંધીએ સાબિતી આપવી જોઈએ કે, વીર દામોદર સાવરકરે અંગ્રેજોની માફી માંગી હતી. રણજીત સાવરકરે કહ્યું કે, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ માફી નહીં માંગે કારણ કે તેઓ સાવરકર નથી. હું તેમને ચેલેન્જ આપું છું કે, સાવરકરજીની માફીનો કોઈ પુરાવો બતાવો.
રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સરકારથી ડરશે નહીં, સરકાર તેમને ડરાવી શકે નહીં. સુરતના ફોજદારી માનહાનિના કેસમાં તેમણે સરકારની માફી માગી નથી કારણ કે તેમનું નામ ગાંધી છે, સાવરકર નથી, અને ગાંધી કોઈની માફી માગતા નથી. રાહુલ ગાંધીના આ નિવેદન પર સાવરકરના પૌત્રએ માંગ કરી છે કે, રાજકારણ ચમકાવવા માટે દેશભક્તોના નામનો ઉપયોગ કરવો અયોગ્ય છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
તાજેતરમાં સુરતની અદાલતે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. બે વર્ષની સજા બાદ, રાહુલ ગાંધીને ત્યાં જામીન આપવામાં આવ્યા હતા, અને ચુકાદા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ પછી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. જેના જવાબમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ રસ્તા પર ઉતરી આવી હતી અને સરકાર પર રાજકીય રીતે નિશાન સાધવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ આ મામલે કોર્ટમાં માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો.
(PHOTO-FILE)