મુંબઈઃ સાયબર ઠગો લોકો સાથે છેતરપીંડી કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે, હવે ટોળકી પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને તેમની પાસેથી લોખોની રકમ પડાવતી હોવાની ચોંકાવનારી ઘટના પૂનામાં સામે આવી છે. પૂનામાં એક એન્જિનિયરને ટોળકીને નિશાન બનાવીને યુટ્યુબ ઉપર વીડિયો જોઈને પૈસા કમાવવાની લોભામણી લાલચ આપીને તેની પાસેથી એક-બે નહીં પરંતુ 16 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ઠગ ટોળકીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી, લોકોને પાર્ટ ટાઈમ જોબ્સ સંબંધિત ટેક્સ્ટ સંદેશાઓ મળી રહ્યા છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમે માત્ર YouTube વીડિયોને લાઈક કરીને પૈસા કમાઈ શકો છો. સૌથી નવાઈની વાત એ છે કે આ ઠગ ટોળકી લોકોના ખાતામાં પણ કેટલાક પૈસા મોકલીને તેમનો વિશ્વાસ કેળવે છે.
એકવાર વિશ્વાસ જીત્યા પછી, આ ઠગ ટોળકી લોકોને ટેલિગ્રામ ચેનલની એક લિંક મોકલે છે અને બેંક ખાતાની વિગતો ભરવા સુચના આપે છે. જે બાદ ઠગ ટોળકીની રમતનો પ્રારંભ થાય છે. લોકોને તેમના નકલી ખાતાની વિગતો બતાવવામાં આવે છે જેમાં પૈસા દેખાય છે પરંતુ વાસ્તવમાં તેમના ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, પૂણેના એક સોફ્ટવેર એન્જિનિયરે યુટ્યુબ વીડિયોને લાઈક કરીને પાર્ટ ટાઈમ જોબ વિશે વાત કરતો મેસેજ મળ્યો હતો. આ ઘટના 4 થી 8 મે વચ્ચે બની હતી. શરૂઆતમાં, ઠગ ટોળકીએ પીડિતના ખાતામાં કેટલાક પૈસા મોકલ્યા અને પછી વધુ કમાણી કરવા માટે પ્રી-પેઇડ ટાસ્ક આપ્યા, ત્યારબાદ ટોળકીએ તેની પીડિતા પાસેથી પૈસાની માંગણી કરી હતી. જ્યારે પીડિતે પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના માટે થોડી સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે. આ ચાર દિવસમાં એન્જિનિયર પાસેથી કુલ 15.9 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. પૈસા ગુમાવ્યા બાદ પીડિતાને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.